સુરતના ડુમસ બીચ માં ન્હાવા પડેલા સફાઈ કર્મચારી નું દરિયામાં તણાઈ જવાથી નીપજ્યું મોત, પરિવાર થયો શોકમાં ગરકાવ
સુરત મહાનગર પાલિકાના વેસુ વોર્ડ ઓફિસમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવનાર એક યુવક ડુમસ બીચ ખાતે દરિયામાં નહાવા ગયો હતો. જેમાં દરિયાના પાણીમાં તણાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું. અને કાદવમાં ખૂંપેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ડુમસ સ્થિત નવા ઠાઠ ફળિયા ખાતે આવેલ મોટી ફળિયામાં વસવાટ કરતો 28 વર્ષની ઉંમરનો સાવન જેન્તીભાઇ ખલાસી નામનો યુવક રવિવારના રોજ ડુમસ જલારામ મંદિર પાસે દરિયામાં ન્હાવા માટે પડ્યો હતો. ત્યારે ભરતી હોવાને કારણે દરિયામાં ખૂબ જ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા હતા. જેના કારણે સાવન દરિયાના પાણીમાં તણાઈ ગયો હતો.
નોંધનીય છે કે, મોડી સાંજના સમય દરમિયાન જ્યારે દરિયાના પાણી ઓસરી ગયા ત્યારે સાવન નો મૃતદેહ કાદવમાં ખૂંપેલી અવસ્થામાં ગામવાસીઓને મળી આવ્યો હતો. હાલ તો ડુમસ પોલીસે સાવનના મૃતદેહનો કબ્જો લઇને તેને નવી સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હાલ તો સાવન નું મોત નીપજ્યું હોવાથી તેના પરિવારમાં શોક નું મોજું ફરી વળ્યું છે.