GujaratAhmedabad

કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાથી તો અમદાવાદ પૂર્વમાંથી રોહન ગુપ્તાને ટિકિટ

લોકસભા ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે કરવામાં આવી શકે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે બીજી યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાતની કેટલીક બેઠકો પરના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડવાનું સામે આવ્યું છે.

ગુજરાતના કોંગ્રેસના સાત ઉમેદવારોના નામની યાદી

બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને મળી ટિકિટ

અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાને ટિકિટ

અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તાને ટિકિટ

બારડોલીથી તુષાર ચૌધરીને મળી ટિકિટ

વલસાડથી અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર

પોરબંદરથી લલિત વસોયાને મળી ટિકિટ

કચ્છથી નીતિશ લાલણને ટિકિટ મળી

તેની સાથે બીજી યાદીમાં કોંગ્રેસ દ્વારા ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ આપવામાં આવી છે. અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને રાજસ્થાનના ઝાલોર અને કમલનાથના પુત્ર નકુલ નાથને એમપીના છીંદવાડાથી તો આસામના પૂર્વ સીએમ તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગાઈને ટિકિટ આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામો રહેલા છે. જેમાં દિલ્લી, છત્તીસગઢ, તેલંગાણા માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. કર્ણાટક, કેરળ, મણિપુર, મેઘાલય અને ત્રિપુરા, સિક્કિમ અને લક્ષ્યદ્વીપથી કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે પ્રથમ યાદીમાં ગુજરાતના એકપણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નહોતા.