AhmedabadGujaratMadhya Gujarat

નારણપુરાની આઇકેર હોસ્પિટલમાં આગ લાગતા દંપત્તિનું મોત, પરંતુ આ સવાલ મૂંઝવણ ઉભી કરનાર

નારણપુરાની હોસ્પિટલમાં આજે આશ્ચર્યચકિત કરનારી ઘટના બની છે. મોદી આઈ કેર હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં હોસ્પિટલમાં કામ કરનાર બે કર્મચારી ના કરૂણ મોત નિપજ્યાં હતા. આગમાં પતિ પત્ની બળીને ભડથું થઈ ગયા હતા. પતિ પત્ની ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. ઘટના બાદ સવાર ના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. રાજસ્થાનના રહેવાસી નરેશ પારગી અને હંસા પારગી હોસ્પિટલમાં ગાર્ડ ની ફરજ બજાવતા હતા તેમના મોત નીપજ્યા છે. ફાયરની ટીમ હોસ્પિટલમાં પહોંચી ત્યારે બંને ની લાશ સીડી પર પડેલી હતી.

નારણપુરામાં આવેલી મોદી આઈ કેર હોસ્પિટલમાં મોડી રાત્રીના આગ લાગી હતી. આ ઘટનાની જાણ સવારના થઈ હતી. સવારના ફાયર વિભાગને સ્થાનિકો દ્વારા ઘટના વિશે જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ અંદર પહોંચી ત્યારે જાણ થઈ કે આગમાં પતિ-પત્નીના મોત નીપજ્યા છે. પતિ-પત્ની મૂળ રાજસ્થાની હોવાનું અને હોસ્પિટલમાં ગાર્ડ માં ફરજ બજાવતા હતા તેવી પ્રાથમિક જાણકારી સામે આવી છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા વધુ કામગીરી હાથ ધરવામાં આવી છે. ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, FSL ની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરુ કરી છે.

જ્યારે બીજી તરફ હોસ્પિટલના ડોક્ટર ધવલ મોદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મૃતક નરેશને ફાયર સિસ્ટમ કઈ રીતે કામ કરે છે તેની ટ્રેનિંગ અપાઈ છે. અમારી દિવસની હોસ્પિટલ હોવાથી રાત્રે અમે CCTV ચાલુ રાખતા નહોતા. કઈ રીતના ઘટના ઘટી તેની જાણ નથી, એલાર્મ રિંગ વાગી કે નથી વાગી તેની હાલ જાણકારી નથી. જ્યારે નરેશ એક માત્ર જ રાત્રે અહીં રોકાતો હતો.

ઘટનાની તપાસ કરી રહેલા ACP હરીશ કણસાગરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નારણપુરા વિસ્તારમાં આ મોદી આય કેર હોસ્પિટલ આવેલ છે. જેમાં 2 વ્યક્તિ ના કરૂણ મૃત્યુ નીપજ્યા છે. નરેશ ભાઈ અને તેમના પત્નીનું મૃત્યુ નીપજ્યું છે. બંને વ્યક્તિ સીડીમાં પડેલા હતા. વહેલી સવારના નરેશ ના પિતા કે જેઓ પણ અહીં કામ કરતા હતા તેમણે નરેશ ને કોલ કરતા સંપર્ક થયો નહોતો. હોસ્પિટલના અન્ય કર્મચારી ચીમનભાઈ ને કઈ અજુકતું લગતા હોસ્પિટલ ના પાછલા ભાગે જઈ કાચમાંથી જોતા બંને મૃતદેહ સીડીના ભાગમાં જોયા હતા.

આ બાબતમાં ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા તપાસ કરાઈ રહી છે. હાલમાં FSL અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે હાજર છે અને તપાસ કરવામાં આવી રહી છે. ટોરેન્ટ પાવરની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આગ લાગી ત્યારે બંનેએ આગ બૂઝવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સૌથી પહેલા મૃત્યુ પામનાર નરેશભાઈના પિતા દ્વારા અમને જાણકારી આપવામાં આવી હતી.