AhmedabadGujarat

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચે લાખોના રૂપિયાના દારૂના જથ્થા સાથે બે આરોપીઓની કરી ધરપકડ

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં કોઈના કોઈ રીતે બુટલેગરો દ્વારા દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ આ બધા પર ચાંપતી નજર રહેલી હોય છે. એવામાં અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા દરોડા પાડીને દારૂનું કટિંગ ઝડપી પાડવામાં આવું છે. ક્રાઈમ બ્રાંચને મળેલી જાણકારીના આધારે ઓઢવ રિંગ રોડ પર આવેલા શ્રી રામ એસ્ટેટમાં ગોકુલ સ્ટીલમાં દરોડા પાડીને કંન્ટેનરમાંથી દારૂનું કટિંગ કરતા રંગેહાથ બે આરોપી ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન 16.97 લાખથી વધુની કિંમતની દારૂની 4488 બોટલો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે.

આ બાબતમાં જાણકારી સામે આવી છે કે, સવારના સમયે આ દારૂ મહારાષ્ટ્રથી અમદાવાદમાં લાવીને તેનું કટિંગ કરાઈ રહ્યું હતું. ક્રાઈમ બ્રાંચ દ્વારા આ બાબતમાં વસ્ત્રાલના ગોવિંદ રાવત તેમજ બાપુનગરનાં ઈમરાનખાન પઠાણ નામના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓની પૂછપરછ કરતા સમયે ભાગી જનાર બુટલેગર ફુરકાન મિર્ઝા દ્વારા તેના પરિચિત પાસેથી આ દારૂ મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

જયારે પોલીસ દ્વારા પકડવામાં આવેલ ટ્રક કપડવંજ તરફથી આવવાનો હોવાના લીધે ગોવિંદ રાવત તથા ફુરકાનબેગ મિર્ઝા એક્સેસ લઈને કુહા ગામ ખાતેથી પાયલોટીંગ કરીને ઓઢવ શ્રી રામ એસ્ટેટ સુધી લઇ આવ્યા હતા. તેની સાથે આ દારૂના જથ્થાની વાત કરવામાં આવે તો ફુરકાનબેગ મિર્ઝા, ગોવિંદ રાવત અને ઈમરાન પહેલવાન લેવાના હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મામલામાં પકડાયેલ ઈમરાનખાન પઠાણે જણાવ્યું કે, તે ઈમરાન પહેલવાનનો માણસ છે અને તેના કહેવાથી દારૂનો જથ્થો લેવામાં આવ્યો હતો. જયારે ટ્રક ડ્રાઈવર પોલીસ આવે તે પહેલા જ ક્યાંક ચાલ્યો ગયો હતો.

તેની સાથે છેલ્લા એકાદ વર્ષથી મહારાષ્ટ્ર માંથી દારૂનો જથ્થો ટ્રકથી અમદાવાદ લાવીને અલગ અલગ બુટલેગરોને દારૂ પહોંચાડવામાં આવી રહ્યો હતો. તેનો અર્થ એ છે કે, અન્ય કેટલાક બુટલેગર આ બાબતમાં સંડોવાયેલા છે તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે પકડાયેલ આરોપી ગોવિંદ રાવત અગાઉ 2014 માં ઓઢવમાં ઈંગ્લીશ દારૂના કેસમાં તેમજ અમરાઈવાડીમાં મારામારીનાં બે ગુનામાં ઝડપાયા હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે પોલીસ દ્વારા ઝડપાયેલા બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસનાં રિમાન્ડ પ્રાપ્ત કરી આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.