AhmedabadGujarat

ખાવાનું પેક કરવા મામલે દલિત યુવકને હોટલ માલિકે ઢોર માર માર્યો, દર્દનાક મોત થતા રાજકારણ ગરમાયું

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં દલિત યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં હોટલમાં જમવાનું પાર્સલ લેવા ગયેલ યુવાન દ્વારા સામગ્રી બાબતમાં પૂછતા હોટલ માલિક અને તેના સ્ટાફ દ્વારા રાજુ ઉર્ફે જયંતિ ચૌહાણ નામના 45 વર્ષીય દલીલ યુવાનને માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ યુવાનને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. એવામાં હવે આ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હત્યાની કલમ દાખલ કરી આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મામલામાં બાકોર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 45 વર્ષીય દલિત યુવાન રાજુભાઈ વણકરને હોટલના માલિક દ્વારા માર મારવામાં આવતા બે દિવસ પછી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઝઘડા દરમિયાન હોટલ માલિક અને તેના કર્મચારીઓ દ્વારા કથિત રીતે દલિત યુવાનની જાતિ વિરુદ્ધ ટિપ્પણી પણ કરવામાં આવી હતી તેવી પણ જાણકારી સામે આવી છે. આ મામલામાં દલિત નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા આરોપીઓને જ્ઞાતિવાદના ગુંડા ગણાવી તેઓને તાત્કાલિક દબોચવામાં આવે તેવી માંગણી કરી છે. તેની સાથે જીગ્નેશ મેવાણી દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવશે નહીં તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજુ ઉર્ફે જયંતિ ચૌહાણ રિક્ષાચાલક 7 જૂન તારીખના જમવા માટે હોટલ ગયેલો હતો. ત્યાં જમ્યા બાદ તેના દ્વારા હોટલના કર્મચારીઓને ભોજન પાર્સલ માટે કહેવામાં આવ્યું હતું. તે સમયે વણકર યુવાન દ્વારા પેકેડ ફૂડના સામે વાંધો ઉઠાવવામાં આવ્યો અને ચૂકવેલી રકમ ફૂડની માત્રા ઘણી ઓછી હોવાના લીધે સવાલો કર્યા હતા. તેના લીધે હોટેલ માલિક અને સ્ટાફના સભ્ય બંને આરોપીઓએ મારપીટ શરુ કરી દીધી અને જાતિવાદી ટીપ્પણીઓ પણ કરી હતી. તેના લીધે યુવાનની લોહીલુહાણ થઈ ગયો હતો. ત્યાર બાદમાં યુવાનને પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં તેમનું મોત નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે.