GujaratMadhya Gujarat

વડોદરામાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો પતિ પત્નીનો મૃતદેહ, અઢી વર્ષનું બાળક મૃતદેહ વચ્ચે કલાકો સુધી રમતું રહ્યું

વડોદરાથી એક દુઃખદ ઘટના સામે આવી છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ શિવાલય હાઇટ્સના છઠ્ઠા માળ પર આવેલ ઘરમાંથી પતિ-પત્નીનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તેની સાથે અઢી વર્ષનો પુત્ર માતા-પિતાના મૃતદેહ પાસે રમતો જોવા મળ્યો હતો. પતિ આશિષ માનેનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે પત્ની આરતી માનેનો મૃતદેહ જમીન પર પડેલો જોવા મળ્યો હતો. તેની સાથે તેના ગળાના ભાગે બે ટપકા જેવા નિશાન પણ જોવા મળ્યા છે. તેમ છતાં પત્નીના મોતનું કારણ પીએમ રિપોર્ટ સામે આવ્યા બાદ જ સામે આવી શકે છે.

આ મામલામાં પાડોશમાં રહેનાર કામિનીબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમે અહીં ત્રણ વર્ષથી રહી રહ્યા છીએ. તેમનો અઢી વર્ષનો છોકરો આવ્યો હતો અને કાકી કાકી કરીને મને બોલાવવા લાગ્યો હતો. એવામાં વરસાદ પણ વરસી રહ્યો હતો માટે મેં તેને કીધું કે ટુ ઘરમાં ચાલી જા. પરંતુ તે સમયે મારી દીકરી નોકરી પર આવી ગઈ હતી અને તે આશિષ માનેના ઘરમાં ગઈ અને તેને જોયું કે આશિષ અંકલ દ્વારા ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો છે. ત્યાર બાદ તેને મને ઘરે આવીને આ વાત જણાવી હતી. આ કારણોસર હું તેમના ઘરમાં જઈ તો જોયું કે, પતિ-પત્ની બંનેના મૃતદેહ પડેલા હતા. ત્યાર બાદ મેં બધાને ભેગા કર્યા હતા. બંને વચ્ચે ક્યારેક જ ઝઘડા થતા હતા. પરંતુ આજે શું બન્યું તે ખબર નથી.

આ મામલામાં ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. કે. ગુર્જર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ઘટનાને લઈને જાણકારી મળી હતી કે, ગોત્રી તળાવ પાસે આવેલા 13 માળના શિવાલય હાઇટ્સમાં પતિ દ્વારા ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવવા આવ્યું છે અને પત્નીનો મૃતદેહ જમીન પર પડેલો છે જ્યારે અઢી વર્ષનું બાળક રમી રહ્યું છે. ત્યાર બાદ અમારો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી આવ્યો અને આ મામલામાં તપાસ હાથ ધરી હતી. મહિલાના મોતનું કારણ સામે આવ્યું નથી. પરંતુ પીએમ રિપોર્ટ સામે આવ્યા બાદ મહિલાના મોતનું સાચું કારણ જાણી શકાશે. આ મામલામાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તેની સાથે આશિષ દ્વારા આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે પરંતુ તેમના પત્ની આરતીબેનના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પીએમ રિપોર્ટ બાદ જ આરતીબેનના મોતનું સાચું કારણ જાણી શકાશે. આરતીબેનના ગળાના ભાગમાં બે ટપકા જેવા નિશાન જોવા મળ્યા છે. બાકી શરીર પર બીજા કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. મૃતક ખાનગી બેંકમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતો હતો અને નોકરી પરથી ઘરે આવીને વડાપાંવની લારી પણ તે ચલાવતો હતો. તેની સાથે શિવાલય હાઇટ્સના છઠ્ઠા માળે 603 નંબરના ઘરમાં રહી રહ્યો હતો. ગોત્રી પોલીસ દ્વરા પતિ-પત્નીના મૃતદેહોને પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે અને આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.