બિપોરજોય વાવાઝોડું દરિયાકાંઠે ટકરાતા વાવાઝોડાએ તેનો પ્રકોપ બતાવવાનું શરુ કરી દીધું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવા લાગ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાના લીધે ભારે અસર જોવા મળી રહી છે. જયારે વાવાઝોડાના કહેરને જોતા રાજ્યના શહેરોની શાળાઓમાં શૈક્ષણીક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વાવાઝોડાની અસરને જોતા અમદાવાદમા શુક્રવારના શાળા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલના અમદાવાદ શહેર અને જિલ્લાનીની શાળાઓ બંધ રાખવામાં આવશે. વાવાઝોડાની અસરના લીધે તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદનાં DEO દ્વારા પરિપત્ર જાહેર કરી તમામ શાળાઓને જાણ કરવામાં આવી છે.
તેની સાથે ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 16 જૂનના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડાના લીધે સંભવિત અસરને જોતા આ નિર્ણય લેવામાં આવેલ છે. આ અગાઉ 13 થી 15 જુન સુધી શાળા બંધ રાખવાનો આદેશ કરાયો હતો. હવે વધું એક દિવસ શાળા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેની સાથે પાટણ જિલ્લામાં પણ શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધનું જાહેરનામું પાડવામાં આવેલ છે. રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં તા 15 થી 17 સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંગણવાડી,પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, તેમજ કોલેજોમાં ત્રણ દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. જ્યારે 17 તારીખના રોજ સમગ્ર જિલ્લામાં પ્રાથમિક, માધ્યમમિક, અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જિલ્લા કલેકટર દ્વારા પત્ર વ્યવહાર દ્વારા શાળા કોલેજોને આ મામલામાં જાણ કરવામાં આવી છે. શૈક્ષણિક કાર્ય બંધ રહેશે પરંતુ આ દરમિયાન કર્મચારીઓને સ્થળ પર હાજર રહેવા સૂચન આપવામાં આવી છે.