India

Bharat Pe : દિલ્હી પોલીસે ભારત પેના સંસ્થાપક અશ્નીર ગ્રોવર વિરુદ્ધ નોંધી FIR, જાણો શું છે મામલો

Bharat Pe Co-Founder : શાર્ક ટેન્ક (Shark Tank) શોથી લાઈમલાઈટમાં આવેલા ફિનટેક કંપની ભારત પેના કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવર (Ashneer Grover) ફરી એકવાર મુશ્કેલીમાં છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ભારત પેના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અશ્નીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈન વિરુદ્ધ FIR નોંધી છે. અશ્નીર અને તેની પત્ની માધુરી જૈન પર 81 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દંપતી પર નકલી ઈનવોઈસ બનાવીને કંપનીના ખાતામાંથી રૂ. 81 કરોડ તેમના પરિચિતો અને સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે. માધુરી જૈન ગ્રોવર ભારત પેના જોઈન્ટ ડાયરેક્ટર HR હતા જ્યારે તેમના પર આ નકલી ઈનવોઈસ બનાવીને પૈસા ઉપાડવાનો આરોપ હતો. આ મામલે પોલીસ ટૂંક સમયમાં બંનેની પૂછપરછ કરશે.

અશ્નીર ગ્રોવર ((Ashneer Grover)) ની ભૂતપૂર્વ કંપની ભારત પેએ આ મામલે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. ભારત પે ગ્રોવર, તેની પત્ની માધુરી જૈન અને પરિવારના અન્ય સભ્યો સામે દિલ્હી પોલીસની એફઆઈઆરનું સ્વાગત કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ આ એફઆઈઆર ફોજદારી ગુનાઓ અંગે કંપનીની ફરિયાદ પર નોંધી છે. પાછલા 15 મહિનાથી, કંપની ગ્રોવર દ્વારા કંપની, તેના બોર્ડ અને તેના કર્મચારીઓ વિરુદ્ધ દ્વેષપૂર્ણ અને દૂષિત અભિયાનનો સામનો કરી રહી છે. દિલ્હી પોલીસની આ એફઆઈઆર પરિવાર દ્વારા તેમના અંગત આર્થિક લાભ માટે કરવામાં આવેલા વિવિધ શંકાસ્પદ વ્યવહારોનો પર્દાફાશ કરશે.