AhmedabadGujarat

અરબી સમુદ્રમાં હવાનું દબાણ ઉભું થતા ગુજરાતના માથે આવ્યું ચક્રવાતનું સંકટ

જ્યારે પણ અરબી સમુદ્રમાં તોફાન આવે છે ત્યારે ત્યારે ગુજરાત પર ખૂબ મોટી ઘાત ઉભી થાય છે. ગુજરાતના દરિયા કાંઠાને અરબી સમુદ્રમાંથી ઉઠતા વાવાઝોડા ભારે નુકસાની પહોંચાડે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલું હવાનું હળવું દબાણ ઉત્તર-પશ્ચિમ દિશા બાજુ આગળ વધી શકે છે. અને આગામી 24 કલાકમાં આ હવાનું દબાણ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર 5 જૂનના રોજ સાંજે 5.30 કલાકે હળવું દબાણ ઉભું થયું છે. ઉત્તર-પશ્ચિમ તરફ આ દબાણ આગળ વધે છે. અને આગામી 24 કલાકમાં આ હવાનું દબાણ ડિપ્રેશનમાં ફેરવાય શકે છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને સલાહ આપવામાં આવી છે કે, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર તેમજ તેની નજીકના પૂર્વ મધ્ય સમુદ્ર તરફ જવું નહિ.

વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, લક્ષદ્વીપ પાસે ચક્રવાતી તોફાનમાં લો-પ્રેશર સિસ્ટમ 7 જૂન સુધીમાં તીવ્ર બનશે. જેના પછી12 થી 14 જુન દરમિયાન રાજ્યમાં ચક્રવાત આવશે. હાલ તો ચક્રવાતની તમામ હિલચાલ પર હવામાન વિભાગ દ્વારા નજર રાખવામા આવી રહી છે. અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું બાયપોરજોય ચક્રવાત ધીરે ધીરે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.

હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે, ગુજરાતના દરિયાકાંઠાને બાયપાસ કરીને આ ચક્રવાત પાકિસ્તાન બાજુ પણ આગળ વધે તેવી સંભાવના છે. આ વાવાઝોડું ગુજરાત નજીકથી 10 જુનના રોજ પસાર થશે અને 12 જુનના રોજ તે પાકિસ્તાનમાં ટકરાશે. પરંતુ ચક્રવાતના લીધે થઈને ગુજરાત પર ખૂબ મોટી અસર જોવા મળી શકે છે.