
રાજ્યમાં રથયાત્રા પહેલા અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATSએ આતંકી સંગઠન વિરુદ્ધ મોટું ઓપરેશન પાર પાડીને સોજીબ નામના એક બાંગ્લાદેશી તેમજ બીજા કેટલાક શખ્સોને ઝડપી પાડ્યા છે. આ આતંકીઓ વિદેશમાંથી ફંડ ભેગું કરીને ગુજરાતના યુવાનોને કટ્ટરપંથી બનાવવાના એક ષડ્યંત્રને અંજામ આપી રહ્યા હતા. રથયાત્રા પહેલા જ આતંકી સંગઠનનો પર્દાફાશ કરીને ગુજરાત ATS એ એક મોટી દુર્ઘટના થતા પહેલા જ અટકાવી દીધી છે.
ગુજરાત ATSએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, ગુજરાત ATSએ ભારતમાં રહીને પ્રતિબંધિત આતંકી સંગઠન એવા અલ-કાયદાનો પ્રચાર પ્રસાર કરીને બાંગ્લાદેશથી ભંડોળ મેળવનાર બાંગલાદેશી ઈસમોને ઝડપી પાડ્યા છે. ગુજરાત એ.ટી.એસ.ને બાતમી મળી હતી કે, આકાશખાન,સોજાબમીયાં,અબ્દુલ લતીફ તેમજ મુન્નાખાન નામના બાંગ્લાદેશી શખ્સો ભારતમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ઘુસણખોરી કરીને બોગસ દસ્તાવેજ બનાવીને હાલ અમદાવાદ શહેરમાં ઓઢવ તેમજ નારોલ વિસ્તારમા રહે છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન એવા અલ કાયદા (AQ) સાથે આ ચારેય ઇસમો જોડાયેલ છે. આ લોકો મુસ્લિમ યુવાનોને ભડકાવીને આતંકી સંગઠન અલ કાયદામાં જોડાવવા માટે પ્રેરીત કરે છે. ગુજરાત ATSએ તેમને મળેલા ઇનપુટના આધારે આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, મૂળ બાંગ્લાદેશના મ્યુમનસિંહ જિલ્લા ખાતે આવેલ ખુદરો નામના એક ગામના મોહમ્મદ સોજીબમિયા આતંકી સંગઠન અલ-કાયદાની વિચારધારાથી પ્રેરાઈને તેનો સભ્ય બન્યો હતો. બાંગલાદેશી હેન્ડલર શરીફુલ ઇસ્લામે મોહમ્મદ સોજાબમિયાંને આતંકી સંગઠન અલ-કાયદામાં જોડાવા માટે પ્રેરણા આપી તેમજ અલ-કાયદા સંસ્થાના બાંગ્લાદેશના મ્યુમનસિંહ જીલ્લા પ્રમુખ એવા શાયબા નામના ઈસમ સાથે મુલાકાત પણ કરાવી હતી. હાલ તો ગુજરાત ATS આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.