હાર્દિક પટેલના આંદોલનનું પરિણામ: હવે IIM અમદાવાદમાં 10 સીટ આ વિદ્યાર્થીઓને મળશે
IIM અમદાવાદ જેવી ટોચની કોલેજમાં એડમિશન લેવા ઇચ્છુક બિનઅનામત કેટેગરીના આ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. 2015માં પાટીદારો ને અનામત ની માંગ સાથે ગુજરાતમાં અનામત આંદોલન થયું હતું જેમાં મુખ્ય લીડર તરીકે સામે આવેલા હાર્દિક પટેલની મહેનત હવે રંગ લાવી છે. 2015થી 2017 સુધી ગુજરાત ભાજપ અને કેન્દ્ર સરકારની ઊંઘ ઉડાડી દેનાર હાર્દિકે આખરે સમગ્ર સવર્ણ સમાજ માટે અનામતની માંગ કરી હતી.
ગુજરાતમાં હાર્દિકના આંદોલનને લીધે ભાજપ સરકારે 2017માં ભારે સીટો ગુમાવી પણ હતી. ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની માંગ ને લઈને સરકારે 2019માં 10% EWS ક્વોટા જાહેર કર્યું હતું જેમાં સવર્ણ સમાજ અને બિનઅનામત કેટેગરીના ઉમેદવારો નો સમાવેશ થઇ જાય છે. જો કે હવે દેશની ટોચ ની સંસ્થા IIM માં પણ EWS કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સીટ જાહેર કરાઈ છે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એમએચઆરડી) ની માર્ગદર્શિકાને પગલે IIM અમદાવાદ એ શૈક્ષણિક વર્ષ 2020-21ના આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના ક્વોટા માટે 10 સીટ જાહેર કરી છે.બી-સ્કૂલના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે આઈઆઈએ અમદાવાદના ફ્લેગશિપ પીજીપી એમબીએ કોર્સ માટેની પ્રવેશ પ્રક્રિયામાં આ સીટો લાગુ પડશે. સંસ્થાએ પહેલેથી જ 10% ના આંકડા સુધી પહોંચવા માટે માળખાગત સુવિધાને અનુરૂપ આવી બેઠકો વધારવા માટે રજૂઆત કરી હતી.
શુક્રવારે આઈઆઈએમ દ્વારા 430 સફળ ઉમેદવારોને પ્રવેશ પત્રો આપવામાં આવ્યા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષની બેચનું કદ 395 હશે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ બેચનો દબદબો ચાલુ રાખ્યો છે.આ વર્ષે સફળ ઉમેદવારોમાં, 79% એન્જિનિયરિંગ ફિલ્ડ ના છે. ગયા વર્ષે પણ આ સંખ્યા સમાન હતી. જે વિદ્યાર્થીનીઓ પસંદ કરવામાં આવી છે તે 23% છે જે ગયા વર્ષ જેટલી જ છે.