GujaratMadhya Gujarat

પિતાએ પરિક્ષા માટે વાંચવાનું કહેતા બાળકને ખોટું લાગી ગયું અને પછી…

પહેલા તો માતા-પિતા બાળકોને. તેમના સારા માટે ખૂબ ખરું ખોટું સંભળાવતા અને ક્યારેક માર પણ મારતા હતા. પરંતુ આજ કાલના બાળકોમાં સહનશક્તિ જેવું રહ્યું જ નથી. માતા-પિતા જો થોડો ઠપકો આપે તો લન બાળકો ઘણીવાર ના કરવાનું કરી બેસતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના વાવ ખાતેથી સામે આવ્યો છે. જ્યાં ગંભીરપુરા નામના ગામે એક પિતાએ પોતાના 9માં ધોરણમાં અભ્યાસ કરતાં પુત્રને પરીક્ષા હોવાથી કહેતાં પુત્રને ખોટું લાગી ગયું હતું. અને તેણે ગળે ફાંસોખાઈને આપધાત કરી લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગંભીરપુરા નામના ગામે વસવાટ કરતા પ્રકાશભાઈ ઠાકરશીભાઈ ઠાકોરનો 14 વર્ષની ઉંમરનો પુત્ર વિષ્ણુ ઠાકોર ઢીમા હાઇસ્કૂલમાં 9 માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. વિષ્ણુને શાળામાં પરીક્ષા ચાલતી હોવાના કારણે વિષ્ણુના પિતાએ ગુરુવારના રોજ વિષ્ણુને વાંચવા માટે કહ્યું હતું. પરંતુ વિષ્ણુએ કહ્યું કે આજે નહિ કાલે રજા છે તો કાલે વાંચીશ એમ કહેતા જ વિષ્ણુના પિતાએ તેને મોટેથી ઠપકો આપ્યો હતો. જે વાતનું વિષ્ણુને મનમાં ખૂબ ખોટું લાગી જતા તે છાપરાના પાટ ઉપર ચડ્યો અને દોરડાથી ગળેફાંસો ખાઇને તેણે આપધાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને લઈને સમગ્ર વાવ પંથકમાં ચકચાર મચી ગઇ છે. આપઘાત કરનાર બાળક વિષ્ણુના પિતાએ આ મામલે વાવ પોલીસ મથક ખાતે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો. ત્યારે વાવ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી તેમજ વિષ્ણુના મૃતદેહનું પીએમ કરાવ્યું હતું.

નોંધનીય છે કે, પશુપાલન તેમજ ખેતીના વ્યવસાય થકી પરિવારનું ગુજરાન ચલાવનાર પ્રકાશભાઇ ઠાકોરના પત્નીને મગજનું કેન્સર છે. જે અત્યંત બીમાર અવસ્થામાં છે. આ દંપતીને ત્રણ સંતાનો છે. જેમાં સૌથી મોટા વિષ્ણુએ આ પ્રકારનું પગલું ભરીને જીવન ટૂંકાવી દેતાં હાલ તો પરિવાર ઉપર દુ:ખના ડુંગર તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.