Vadodara

સમાજ પ્રેમને નહીં સ્વીકારે તે ભયના લીધે પ્રેમીપંખીડાએ નર્મદા કેનાલમાં એકસાથે પડતું મૂક્યું

વડોદરામાં પ્રેમી પંખીડા દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ધોરણ-12 માં ભણતી સગીરા દ્વારા ITI કરતા સગીર પ્રેમી સાથે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરવામાં આવ્યો છે. હાલોલ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં પ્રેમી પંખીડા દ્વારા એકસાથે છલાંગ લગાવી આપઘાત કરવામાં આવ્યો છે. યુવક હાલોલના ઉજેતી ગામનો અને સગીરા હાલોલ ની હોવાનું સામે આવ્યું છે. પ્રેમ સંબંધ બંધાયો અને સમાજ આ લગ્નને સ્વીકારશે નહીં તે ભયના લીધે કપલ દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે.

તમને જણાવી દઈએ કે, 12 ધોરણ પછી ૧૯ વર્ષનો યુવક બે વર્ષથી આઈટીઆઈમાં અભ્યાસ કરી રહ્યો હતો. જ્યારે 17 વર્ષની સગીરા હાલોલની એક શાળામાં ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી. એવામાં સવારના 10 વાગ્યાના યુવક ઘરેથી નીકળ્યો હતો અને તે હાલોલ પહોંચ્યો હતો. ત્યાંથી યુવતીને લઈને તે હાલોલ વડોદરા રોડ ઉપર ખંડીવાળા નજીક પસાર થનાર નર્મદાની મુખ્ય નહેર ઉપર પહોંચ્યો હતો. સરણેજ ગેટ પાસે બંને દ્વારા કેનાલ પાસે ચપ્પલ ઉતારી નહેરમાં મોતની છલાંગ લગાવી લેવામાં આવી હતી. તેની સાથે બંને દ્વારા એકબીજાના હાથ ઓઢણી વડે બાંધી લેવામાં આવ્યા હતા તેના લીધે તે મોતના સમય પણ બંને સાથે રહેલા હતા. સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકીને બંને દ્વારા એકસાથે કેનાલમાં મોતની છલાંગ લગાવવામાં આવી હતી.

તેની સાથે ઘટનાની જાણકારી મળતા જ હાલોલ ફાયર ફાઇટર દ્વારા ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેની સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા નહેરના પાણીમાં બંનેને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની જાણ બંનેના પરિવારજનોને કરવામાં આવતા બંનેના પરિવારજનોમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.