AhmedabadGujarat

પતિ પત્નીના ઝઘડામાં પરિવારો વચ્ચે થઈ મારામારી, તો પોલીસની કામગીરી પર પણ ઉઠ્યા સવાલ

અમદાવાદ શહેરમાં એક પરિણીતાએ તેના પતિ વિરુદ્ધ 100 તોલા દહેજ અને સુષ્ટિ વિરુદ્ધના કૃત્યને લઈને ફરિયાદ નોંધાઇ. આરોપી પતિની મહિલા પોલીસે ધરપકડ કરી લીધી છે. તો પરણીતાના પિયર પક્ષના લોકોએ પતિના ઘર પર હુમલો કર્યો હોવાની સામે આવ્યું છે. જેમાં પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે પતિ પત્ની વચ્ચેના ઘરેલુ ઝઘડાના કેસમાં પોલીસ પર ગંભીર આક્ષેપ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ કસ્ટડીમાં જોવા મળી રહેલ આરોપી પતિએ તેની પત્ની સાથે ઝઘડો કરીને તેને ખૂબ માર માર્યો હતો.  જેથી પત્ની રિસાઈને પોતાના પિતાના ઘરે એટલે કે પિયર પહોંચી ગઈ હતી. દીકરીની આવી હાલત જોઈને પિયર પક્ષના લોકો લાકડીઓ લઈને પરિણીતાના સાસરી પક્ષમાં પહોંચી ગયા અને ત્યાં હુમલો કરતા પરિણીતાના સસરા ઇજાગ્રસ્ત થયા હતાં. જેથી તેમને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં હાલ તો તેના પતિ તેમજ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે તેનો પતિ દહેજમાં 100 તોલા સોનુ માંગતો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. તો તેના સસરા પણ તેમના પરિવારનો વંશ આગળ વધારવા માટે મ્હેણા મારતા હતા.

પતિના પરિવારે આ મામલે આરોપ મૂક્યો છે કે, મહિલાના પિતા ગામના ખૂબ મોટા ભુવાજી છે. જેથી તેઓ પોલીસમાં ખોટી ફરિયાદ કરીને અમને લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરે છે. જ્યારે સામાન્ય રીતે અરજીના આધારે મોટા ભાગે સમાધાન કરનારી મહિલા પોલીસ પણ આ કેસમાં બીજા જ દિવસે ધરપકડ કરી લે છે. આમ ઘર કંકાસના કેસમાં માહિક પોલીસ પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, હાલ તો મહિલા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.