બુધવારે મોડી રાત્રે ઇસ્કોન બ્રીજ પર થયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે આ અકસ્માતમાં તથ્ય પટેલે જે જેગુઆર કાર થી લોકોને કચડી નાખ્યા તે કાર તથ્ય પટેલના પિતાના ધંધાકીય મિત્રની છે અને તેમણે પ્રજ્ઞેશ પટેલને આ કાર વાપરવા માટે આપી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સૌથી મોટો સવાલ થાય કે આટલી મોંઘીદાટ કાર કોઈ પોતાના મિત્રને વાપરવા કેવી રીતે આપી શકે છે. ત્યારે આ સવાલની તપાસ કરી તો ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું કે જે જેગુઆર કાર થી અકસ્માત થયો છે તે જેગુઆર કાર તેમના ધંધાકીય મિત્ર હિમાંશુ વારીયાના પુત્ર ક્રિશ વારીયાના નામે છે. અને હીમાંશુભાઈએ તે કાર વાપરવા માટે પ્રજ્ઞેશ પટેલને આપી છે. ત્યારે આ બાબતે હીમાંશુભાઈ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે, તે અને પ્રજ્ઞેશ પટેલ મિત્ર છે પરંતુ તેમના એકબીજા સાથે કોઈ પ્રકાર નો ધંધાકીય વ્યવહાર નથી.
હિમાંશુ વરિયાએ જણાવ્યું હતું કે, વારિયા એન્જિનિયરિંગ વર્કસ પ્રાઇવેટ લિમિટેડ અને ક્રિશ ટેક-કોન પ્રાઇવેટ લિમિટેડ નામની તેમની કંપની વિરુદ્ધ બેંક લોન કેસમાં એક પોલીસ ફરિયાદ થઈ હતી. જેમાં આરોપ હતો કે, વર્ષ 2013થી 2017 દરમિયાન આ કંપનીઓએ બેંક સાથે 452.62 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ત્યારે CBIએ જે તે સમયે આ કેસની તપાસ કરતા હિમાંશુ વરિયાની ધરપકડ કરી હતી. આ દરમિયાન પ્રજ્ઞેશ પટેલ પણ ગેંગરેપના કેસમાં સાબરમતી જેલમાં બંધ હતા. ત્યારે પ્રજ્ઞેશ પટેલ અને હિમાંશુ વારીયા બંને એક જ બેરેકમાં હોવાથી તેમની વચ્ચે મિત્રતા થઈ હતી. થોડા સમય પછી પહેલા હીમાંશુભાઈ અને બાદમાં પ્રજ્ઞેશ પટેલ બંને જામીન પર બહાર આવ્યા હતાં. જેલની બહાર આવ્યા બાદ તે બંને વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બની હતી. આ દરમિયાન હીમાંશુભાઈ તેમના દીકરાને જેગુઆર કાર લઈ આપવા માંગતા હોવાથી તેમણે તે કાર ખરીદવાનું નક્કી કર્યું હતું. અને પ્રજ્ઞેશભાઇના ઘરની પાસે જ જેગુઆરનો શો-રૂમ હતો તેથી હીમાંશુભાઈ અને પ્રજ્ઞેશભાઇ બંને સાથે જ જેગુઆર કાર જોવા માટે ગયા હતા. હીમાંશુભાઈએ તેમના પુત્ર ક્રિશના નામે જેગુઆર કાર લઈ લીધી પરંતુ પ્રજ્ઞેશભાઈને કાર પસંદ આવી જતા તેમણે હીમાંશુભાઈ પાસે આ કાર ચલાવવા માટે માંગી હતી. તેથી હીમાંશુભાઈએ એક લખાણ પર પ્રજ્ઞેશ પટેલની સહી કરાવીને તેમને આ કાર વાપરવા માટે આપી દીધી હતી.
હીમાંશુભાઈએ જણાવ્યું હતું કે, તેમની પાસે ઘણી કાર પડી છે. અને આ પહેલા પણ તેમણે તેમના પુત્ર ક્રિશના નામ પર કાર ખરીદેલી છે. અને પ્રજ્ઞેશભાઈ કાર લઈ ગયા એટલે ક્રિશે પણ આ કાર પાછીલેવાની ના પાડી દીધી હતી. અને ક્રિશે તો આ કારને હાથ પણ અડાડયો નથી.
હીમાંશુભાઈએ વધુમાં જણાવ્યું કે, બુધવારે મોડી રાત્રે જે ઘટના ઘટી તે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે. વાંક કોનો છે તે કોર્ટ નક્કી કરશે પરંતુ ઘટના અત્યંત દુઃખદ છે. મેં પોતે સ્થળ પર જઈને જોયું હતું ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. કાર પરત લેવાની બાબતમાં હીમાંશુભાઈએ જણાવ્યું કે, કાર પાછી લેવી કે કેમ? કે તે કારનું આગળ શું કરવું તે અંગે હજુ અમે કઈ વિચાર્યું નથી.