સુરતમાં મકાન ધરાશાયી થવાના મામલામાં બિલ્ડર સહિત ત્રણ લોકો સામે FIR નોંધાઈ, એકની ધરપકડ
સુરતમાં છ માળની ઈમારત ધરાશાયી થવાના કેસમાં પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. એવામાં આ બાબતમાં મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત પોલીસ દ્વારા બિલ્ડર સહિત ત્રણ લોકો સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં એક આરોપીની ધરપકડ કરાઈ છે. સુરત મહાનગર પાલિકા હેઠળ ના પાલી ગામમાં શનિવારના રોજ છ માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ ગઈ હતી. ભારે જહેમત બાદ એક મહિલાને સુરક્ષિત બહાર કઢાઈ હતી. તેમ છતાં આ દુર્ઘટનામાં સાત લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા.
તમને જણાવી દઈએ કે, સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી છ માળની કૈલાશ રાજ નામની ઈમારત અચાનક ધરાશાયી થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ બિલ્ડિંગમાં રહેનાર લોકો શનિવાર ના બપોરે પોતાના ઘરે રહેલા હતા તે સમયે અચાનક બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. સુરત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી ને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. NDRF અને SDRF ની ટીમોને પણ મદદ માટે બોલાવાઈ હતી.
તેની સાથે એસીપી નિરવ ગોહિલ દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, બિલ્ડિંગના માલિક રાજ કાકડિયા હાલ અમેરિકામાં રહેલ છે જ્યારે તેની માતા પોલીસ પકડથી બહાર રહેલ છે. પોલીસ દ્વારા આ કેસમાં કેરટેકર અશ્વિન વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી સામે આવી છે કે, છ માળની આ ઈમારતમાં લગભગ 35 ફ્લેટ રહેલા હતા. પરંતુ બિલ્ડીંગની હાલત જર્જરિત હોવા છતાં લોકોને ભાડે મકાનો અપાયા હતા. આ કેસની તપાસ કરી રહેલી પોલીસ દ્વારા હવે કાટમાળના સેમ્પલ લેવામાં આવશે અને એફએસએલ કરવામાં આવશે. તેની સાથે આર એન્ડ બી વિભાગ ના નિષ્ણાતના રિપોર્ટના આધારે વધુ તપાસ કરાશે.