લોકડાઉનનો 35મો દિવસ: ગુજરાતમાં 6 દિવસમાં 1100 કેસ સામે આવ્યા, કુલ કેસ 3548
લોકડાઉન નો આજે 35મો દિવસ છે અને દેશ સહીત રાજ્યમાં કોરોના નો કહેર યથાવત છે. ગઈકાલ ના આંકડા મુજબ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા 3,548 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં નવા 247 કેસ ગઈકાલે સામે આવ્યા હતા જેમાંથી 197 કેસ ખાલી અમદાવાદમાં નોંધાયા છે. સુરતમાં 30 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 162 પર પહોંચ્યો છે.
આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે ગુજરાતમાં હાલ દર્દીઓના સાજા થવાનો દર ધીમો છે અને દર્દીઓના મૃત્યુનો દર બીજા રાજ્યો કરતાં વધુ છે. ગુજરાતમાં કોમોર્બિડિટીનું પ્રમાણ વધુ હોવાને કારણે અને વાઇરસના સ્ટ્રેઇનમાં ફર્ક ને કારણે આવું બની શકે છે તેના પર તપાસ ચાલી રહી છે.
બીજી બાજુ જોઈએ તો અમદાવાદમાં પોઝિટિવ કેસની સંખ્યા એટલી વધતી જાય છે કે હવે હોસ્પિટલ પણ ફૂલ થાય તો નવાઈ નહીં. એસવીપી હોસ્પિટલમાં 792 બેડ ભરાઈ જતા હોસ્પિટલની કેપેસિટી પૂર્ણ થઈ ગઈ છે. હવે કોરોનાના દર્દીઓને સારવાર માટે સિવિલમાં લઈ જવામાં આવશે.જો કે સિવિલમાં વધુ 1300 બેડ ની સુવિધા ઉભી કરવા કામગીરી ચાલી રહી છે . મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ કહ્યું કે આગામી દિવસોમાં એક હજાર કેસ આવે તો પણ પહોંચી વળાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
વધુમાં ચોંકવનારી વાત સામે આવી કે અમદાવાદના અસારવા વિસ્તારમાં એક ચાલીમાં એક સાથે 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોટ વિસ્તારમાં 40થી વધુ કેસ આજે નોંધાયા છે. વિજય નેહરાએ જણાવ્યું કે એસવીપીમાં 642 એક્ટિવ કેસ અને 150 શંકાસ્પદ છે. SVPની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ છે.