AhmedabadGujarat

રખડતા ઢોરનો આતંક ડામવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય, મનપા-નપા માટે જાહેર કરી સખ્ત ગાઈડલાઈન

રાજ્યમાં સતત છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બન્યો છે. જેના લીધે અનેક વખત અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં સરકાર વારંવાર ટકોર બાદ પણ લોકો બાજ આવતા નથી ઢોરોને રખડતા મોકલી દેવામાં આવે છે. તેના લીધે અકસ્માત સર્જાતા હોય છે જેમાં લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. જ્યારે હવે આ મામલામાં રખડતા ઢોરને લઈને રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. મનપા તેમજ નપા વિસ્તાર માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ત્યારે મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જ્યારે રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરી દેવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા મનપા તેમજ નપા વિસ્તાર માટે માર્ગદર્શિકા જાહેર કરવાની સાથે રખડતા ઢોર માલિકો સામે સખ્ત નિર્ણય પણ લેવામાં આવ્યા છે. જેમાં રાજ્યની દરેક મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તેમજ મનપા અને નપા દ્વારા પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ પરમિશન માટે નિશ્ચિત ચાર્જ પણ ભરવો પડશે. તેમજ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને રજીસ્ટ્રેશન વગરના ઢોર જો રસ્તા પર રખડતા પકડાશે તો ઢોરને જપ્ત કરી દેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં રખડતા ઢોરના લીધે ઘણા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તેના લીધે રાજ્ય સરકાર દ્વારા આજે મહાનગર પાલિકા તેમજ નગરપાલિકા હદ વિસ્તારમાં સખ્ત પણે માર્ગદર્શિકાનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ માર્ગદર્શિકામાં ઢોર માલિક દ્વારા કેટલા ઢોર રાખવામાં આવી રહ્યા છે. તે અંગેની જાણકારી રજૂ કરવાની રહેશે અને રજીસ્ટ્રેશન કરાવવું તેમજ ટેગ લગાવવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ સિવાય જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.