AhmedabadGujarat

VVIP પધારે ત્યારે પોલીસ નો દમ નીકળી જાય છે, મહિલાકર્મીને બાળકો સાથે બંદોબસ્તમાં હાજર રહેવું પડે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24 તારીખે અમદાવાદના મહેમાન બનવાના છે ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી ગુજરાત પોલીસની છે. અમદાવાદમાં હજારો પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે ત્યારે પોલીસને કેવી હેરાનગતિ થાય છે એ બાબતે નિવૃત IPS અધિકારી રમેશ સવાણી એ ફેસબુક પોસ્ટ કરી છે.તેમણે કહ્યું કે,

અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ટ ટ્રમ્પ અમદાવાદ ખાતે 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ આવી રહ્યા છે. તંત્રએ અમદાવાદની ગરીબી ઢાંકી દીધી છે; ઠેર ઠેર સુંદર હોર્ડિંગ લાગી ગયા છે. રંગરોગાન થઈ ગયું છે. ફૂલછોડથી રસ્તાઓ શોભી રહ્યા છે. જાણે સ્વર્ગ ઊતરી આવ્યું હોય તેવું વાતાવરણ ખડું થઈ રહ્યું છે.

મોંઘેરા મહેમાનનું સ્વાગત કરવું જ પડે; એની સામે વાંધો નથી. પરંતુ ઝૂંપડપટ્ટીવાળા નાગરિકો/શહેરના સામાન્ય નાગરિકો/હજારો ST બસથી વંચિત લોકોને મુશ્કેલીઓ જરુર પડશે. સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો આ મોંઘેરા મહેમાનના બંદોબસ્તમાં રોકાયેલા પોલીસના નાના કર્મચારીઓ કરી રહ્યા છે. એમને રહેવાની/ન્હાવાધોવાની/સૂવાની/ખાવાપીવાની/કુદરતી ક્રિયાઓ પતાવવાની મુશ્કેલીઓ પડે છે.

અમદાવાદ શહેરમાં 14,000 થી વધુ પોલીસ છે; આ સંખ્યા કરતા પણ વધુ પોલીસ બહારથી આવશે અને આ VVIP બંદોબસ્તમાં રોકાશે. પોલીસની આટલી મોટી સંખ્યા ગુજરાતના ઈતિહાસમા પ્રથમ વખત એકત્રિત થશે. ફૂડપેકેટ સમયસર ડિસ્ટ્રીબ્યુટ ન થવાને કારણે ખાવાલાયક રહેતા નથી. નાના કર્મચારીઓને પડતી મુશ્કેલીઓનો ઉપાય કરવો મુશ્કેલ હોય છે. તામિલનાડુ પોલીસે રસ્તો શોધ્યો છે. બંદોબસ્તના સ્થળે મોટી બસ રાખે છે; જેમાં પુરુષ/મહિલાના વોશરુમ હોય છે, ન્હાવા/ધોવાની સગવડતા હોય છે; વાયબ્રન્ટ ગુજરાતને વાયબ્રન્ટ થવાનું બાકી છે !

નાગરિકોને નાના પોલીસ કર્મચારીઓના ખરાબ વર્તન અંગે કાયમી ફરિયાદ હોય છે. નાના કર્મચારીઓ એટલે કે લોકરક્ષક/કોન્સ્ટેબલ/હેડ કોન્સ્ટેબલ/આસિસ્ટન્ટ પોલીસ સબઈન્સ્પેકટરનું વર્તન અમાનવીય કેમ હોય છે? ગરીબો/વંચિતો/ભલામણ વિનાના નાગરિકો પ્રત્યે બિનસંવેદનશીલ કેમ હોય છે? કોઈ પણ નાગરિક પોલીસ સ્ટેશને જાય તો પ્રથમ સંપર્ક નાના પોલીસ કર્મચારીઓ સાથે થાય છે. ટ્રાફિક ડ્યુટીના પોલીસ કર્મચારીઓને નાગરિકો સાથે સૌથી વધુ સંપર્ક થાય છે. મોટા અધિકારીઓ તો AC ચેમ્બરમાં હોય છે; જે મોટાભાગે ગરીબ/વંચિત સમુદાયના લોકોને મળવાનું ટાળતા હોય છે. પછાત સમુદાયના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પોતાના સમાજ પ્રત્યે સંવેદનશીલ હોતા નથી.

રાજ્યમાં એક પણ પછાત સમુદાયના DySP એટ્રોસિટી એક્ટની અમલવારીની જગ્યાએ સ્વખુશીથી જવા તૈયાર હોતા નથી ! નાગરિકો સાથે સંવેદનાભર્યો વ્યવહાર કરવાની કોઈ તાલીમ પોલીસ તાલીમ શાળામાં કેમ અપાતી નથી? વાસ્તવમાં પોલીસ તાલીમ શાળામાંથી કરપ્શનના પાઠ શીખવે તેવા અધિકારીઓની નિમણૂક થતી હોય છે. ડ્રિલ ઓછી કરવા/પરિક્ષામાં પાસ થવા DySP/SP કક્ષાના અધિકારીઓ પૈસા ઉઘરાવતા હોય છે ! ગળથૂથીમાં જે સંસ્કાર મળ્યા હોય તે કાઢવા મુશ્કેલ હોય છે !

પોલીસના નાના કર્મચારીઓ નાગરિકો સાથે ખરાબ કરે છે; કેમકે : [1] પોતાની સાથે ઉપરી અધિકારીઓ ખરાબ/બિનસંવેદનશીલ વર્તન કરે છે એટલે જેવું પોતાને મળે છે, તેવું નાગરિકોને આપે છે. [2] VVIP બંદોબસ્ત વેળાએ 6-8 દિવસ અગાઉથી, નાના પોલીસ કર્મચારીઓને આખા રાજ્યમાંથી એકત્ર કરવામાં આવે છે; એમના માટે રહેવાની/ખાવાપીવાની વ્યવસ્થા હોતી નથી. એમના માટે કુદરતી ક્રિયાઓ માટે ભયંકર મુશ્કેલી પડે છે. મહિલા કર્મચારીઓને અતિ મુશ્કેલી વેઠવી પડે છે.

કેટલીક મહિલા પોલીસ પોતાના નાના બાળકને લઈને બંદોબસ્તમાં આવે છે. નાના બાળકવાળી મહિલા પોલીસને બંદોબસ્તમાં મોકલવી જોઈએ નહીં; પણ આ વેદના કોણ સમજે? કર્મનાના કર્મચારીઓ પ્રત્યેનો જડ વ્યવહાર તેમને જડ બનાવી દે છે. VVIP પધારે ત્યારે પોલીસનો દમ નીકળી જાય છે ! 15 દિવસ પહેલા કોઈપણ જાતની રજા ઉપર પ્રતિબંધ આવી જાય છે. ખુદના લગ્ન હોય તોય નાના કર્મચારીઓ ફાંફાં મારતા હોય છે !

[3] ટ્રાફિક ડ્યુટીના કે અન્ય ફરજ પરના નાના પોલીસ કર્મચારી સાથે ફરજમાં રુકાવટ કરનાર સત્તાપક્ષનો વગદાર માણસ હોય તો નાના પોલીસની ફરિયાદ ઉપરી અધિકારીઓ નોંધતા નથી. ખુદ નાના પોલીસને અન્યાય સહન કરવો પડે છે. નાના પોલીસ કર્મચારીઓ ખુદ અન્યાય સહન કરતા હોય તે નાગરિકોને ન્યાય અપાવી શકે નહીં.

[4] નાના પોલીસ કર્મચારીઓ સરકારી ક્વાર્ટરમાં રહે છે; જેને પોલીસ લાઈન કહેવાય. મોટા ભાગની પોલીસ લાઈનમાં બોરડી/ગાંડાબાવળ/કાંટાળા છોડ/ગંદકી/ગાયોનો ત્રાસ જોવા મળે છે. સ્લમ એરીઆ લાગે. લોકરક્ષકો માટે ક્વાર્ટર નથી; ચાર લોકરક્ષકો વચ્ચે એક ક્વાર્ટર ફાળવવામાં આવે છે. પરણિત લોકરક્ષક પોતાની પત્ની સાથે રહી શકતા નથી; ફિક્સ પગારના કારણે ભાડાનું મકાન પોસાય નહીં ! IPS અધિકારીઓ પોતાની મુશ્કેલીઓ અંગે ઠરાવ કરીને CMનું ધ્યાન દોરે છે; નાના કર્મચારીઓની મુશ્કેલીઓ તેમને દેખાતી નથી!

નાના કર્મચારીઓનું યુનિયન હતું પણ યુનિયન આગેવાનોએ પોતાનું ભલું કર્યું પરંતુ નાના કર્મચારીઓનું કલ્યાણ દૂર જ રહ્યું ! પોલીસ કર્મચારીઓની અનેક સમસ્યાઓ છે; જે તેમના વર્તનમાં પ્રતિબિંબિત થતી હોય છે ! નાના પોલીસ કર્મચારીઓ જ્યારે ગુસ્સે થઈને આપણી સાથે વાત કરે ત્યારે શાંત રહેવાની સમજણ આપણે કેળવવી જ પડશે !rs