AhmedabadCorona VirusGujaratIndiaMadhya GujaratNorth GujaratSurat

રાજ્યમાં કોરોના કુલ કેસ 3000 ને પાર, એકલા અમદાવાદમાં 2003 કેસ, જંયતી રવિએ કહ્યું લડાઈ હજુ 2 મહિના ચાલશે

આરોગ્ય વિભાગના આરોગ્ય સચિવે રાજ્યમાં કોરોના કેસ ની વિગતો આપતા જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 256 કેસો નોંધાયા છે. અમદાવાદમાં 182, આણંદ 5. બનાસકાંઠા 11, ભાવનગર 5, છોટાઉદેપુર 2, ગાંધીનગર 4, મહીસાગર 1, નવસારી 1, પંચમહાલ 2, પાટણ 1, સુરત 34, સુરેન્દ્રનગર 1 અને વડોદરામાં 7 કેસ નોઁધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 3071 થઇ છે. રાજ્યમાં કુલ 133ના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 6 લોકોના મોત થયા છે.

 

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે કહ્યું કે અગાઉથી અપીલ કરીએ છીએ તેમ આજે શરૂ થયેલ રમઝાન માસમાં ધાર્મિક સ્થળે લોકો એકઠા ન થાય. જો લોકો ભેગા થશે તો કાર્યવાહી કરવામાં આવશે.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં 182 નવા કેસ સામે આવ્યા છે ત્યારે અમદાવાદમાં કેસનો આંક 2003 થઇ ગયો છે.અત્યાર સુધી કુલ 115 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમાલપુર, દરિયાપુર, ખાડીયા, શાહપુર બહેરામપુરા, દાણીલીમડા વોર્ડને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ 6 ઝોનમાં કોઈ પણ દુકાનો ખુલી શકશે નહીં.

વિજય નહેરાએ આજે રમઝાનની શુભકામના પાઠવી હતી.રમઝાનમાં ઘરમાં જ નમાઝ પઢવા અને ઈબાદત કરવા માટે બિરાદરોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આપણી મહેનતને લીધે છેલ્લા 7 દિવસમાં આંકડો વધવાને બદલે ઘટ્યો છે. કેન્દ્રના ગૃહ વિભાગની ટીમે અમદાવાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. લોકડાઉન પોઈન્ટ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું. દિલ્હીથી આવેલી ટીમના નિરીક્ષણને લઈને પોલીસ કર્મચારીઓ માસ્ક પહેરી અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા લાગ્યા હતા.

મુખ્યમંત્રીએ રાજ્યના દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ર૬ એપ્રિલથી મોલ તેમજ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનો ખોલી શકાશે. ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન અપાઈ છે. કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોય તે ખોલી શકાશે.નિયમિત સ્ટાફના 50 ટકા સ્ટાફ રાખવાનો રહેશે. માસ્ક પહેરવાનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.