GujaratHardik PatelPolitics

ધરતીપુત્રની આંખમાં આંસુ: હાર્દિક પટેલે ગુજરાતના તમામ ખેડૂતો અને આગેવાનો ને એક અપીલ કરી, જાણો વિગતે

દેશ સહીત રાજ્યમાં કોરોનાનો કહેર છે ત્યારે સમગ્ર ધંધા-ઉદ્યોગો ઠપ્પ થઇ ગયા છે.છેલ્લા 2 મહિનાથી ઉદ્યોગો ઠપ્પ થતા લોકો બેરોજગાર પણ બન્યા છે. ખેડૂતોની દશા પણ આ વર્ષે બગડી ગઈ છે.પહેલા કમોસમી વરસાદે પાકનો નાશ કર્યો હતો તો હવે લોકડાઉન ને લીધે માંગ ઘટતા ખેડૂતોને પૂરતો ભાવ નથી મળી રહ્યો. ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે તમામ ખેડૂતો અને ખેડૂત આગેવાનો અપીલ કરતો એક પત્ર લખ્યો છે.

હાર્દિકે લખ્યું છે કે, ધરતીપુત્રની આંખના આ આંસુઓ ખેડુતોની લાચારી. ખેડુતોની મજબુરીનું પ્રતિક છે. આ આંસુઓ કહી રહ્યા છે કે લાચાર ખેડુત સરકારની ખોટી નિતી રીતિ અને ખોખલી સિસ્ટમનો ભોગ બન્યો છે. ધરતીપુત્રની આંખના આ આંસુઓએ સરકારના સંવેદનશીલ હોવાના બધા જ દાવાઓ પોકળ સાબિત કરી દીધા છે. આ આંસુઓ કહી રહ્યા છે કે ખેડુત ખેતરમાં ફકત બિયારણ નથી વાવતો પણ સપનાનું વાવેતર કરે છે. પોતાના સંતાનની જેમ ખેડુત પાકનો ઉછેર કરે છે, જયારે ખેતરમાં પાક તૈયાર થઈ જાય ત્યારે ખેડુત ફકત પોતે તૈયાર કરેલ પાક જ વેચવા નથી જતો, પણ સપનાઓ ને પણ સાથે જ લઈ જાય છે.

લોહી સિંચીને પાકની માવજત કરતો ખેડુત ખેતરમાં લહેરાતો પાક જોઈને સપના જોવે છે કે આ વખતની ઉપજમાં હું મારા દિકરા દિકરીને સારી શાળામાં ભણવા મોકલીશ, આ વખત સારો ભાવ મળશે તો હું મારા પરિવાર માટે સારા કપડા અને સારી સુવિધા કરી આપીશ, દિકરો કે દિકરી પરણવા લાયક હોય તો ધામધુમથી લગ્ન વગેરે અનેક સપનાઓ જોતો ખેડુત જયારે માર્કેટ યાર્ડમાં પોતાનો પાક વેચવા જાય છે ત્યારે ફકત ખેડુતના પાકની જ નહિં પણ ખેડુતના સપનાની કિંમતની બોલી લાગે છે.

પરંતુ જયારે ખેડુતે કરેલા ખર્ચ કરતાં પણ ઓછા ભાવે ખરીદી થાય ત્યારે ખેડુતની સાથે સાથે એણે જોયેલા સપનાઓનો પણ ભાંગીને ભુકકો થઈ જાય છે, ખેડુતની લાગણી છિન્ન ભિન્ન થઈ જાય છે અને ત્યારે જગતનો તાત લાચાર થઈને ખોખલી સિસ્ટમના નગ્ન નાચને જોવા સિવાય કશું નથી કરી શકતો, આવુ કયાં સુધી ચલાવી લઈશું ?

ધરતીપુત્રની આંખના આ આંસુ જાણે કહી રહ્યા છે કે ખેતી પ્રધાન દેશમાં કયાં સુધી ખેડુતોનું શોષણ થતું રહેશે ? કયાં સુધી ખેડુતોના સપના રોળાતા રહેશે ? કયાં સુધી ખેડુત લાચાર બની રડતો રહેશે ? અને કહેવાતી સંવેદનશીલ સરકારને છેલ્લે ધરતીપુત્રની આંખના આંસુઓ એટલુ જ કહી રહ્યા છે કે જેમ તારીખ ૧૫/૫/૨૦૨૦ ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઈસોરા ગામના ખેડુતને ડુંગળીના ભાવ ના મળતા આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવ્યુ એમ કયાં સુધી જગતનો તાત ખોખલી સિસ્ટમનો ભોગ બની પોતાનું જીવન ટુંકાવતો રહેશે ?

આ ફકત એક ખેડુતની જ વેદના અને વ્યથા નથી પરંતુ સમગ્ર ગુજરાતના ખેડુતોની વેદના અને વ્યથા છે. આ લખતી વખતે કાળજું પણ કંપી ઉઠે છે, હાથ ધ્રુજે છે પણ આજે લખવુ જરૂરી હતું. આ ઘટના જોઈ મારા મનમાં પણ ઘણા સવાલ છે કે શું ખેડુત એટલો પણ અધિકાર પ્રાપ્ત ના કરી શકે કે પોતાના પાકનો ભાવ પોતે નકકી કરે ? આ ઘટના જોયા પછી શું ખેડુતોએ પક્ષા પક્ષીના ચકકરમાં પડયા કરતા સંગઠિત ના થવુ જોઈએ ? શું ખેડુતોએ સંગઠિત થઈ પોતાના હકની લડત લડવી ના જોઈએ ? કયાં સુધી ખોટા વાયદાઓ અને ઠાલા વચનો આપી ચુંટણીઓ જીતી જતા નફફટ નેતાઓની નફટાઈનો ભોગ બનતા રહીશું?

હાર્દિકે લખ્યું છે કે, મારી આ પોસ્ટ ગુજરાતના તમામ ખેડુત આગેવાનો અને ખેડુતોને સમર્પિત કરૂ છું, અને બે હાથ જોડીને વિનંતી કરૂ છું કે ખેતી અને ખેડુતોને બચાવવા પુરા સમર્પણ ભાવથી કામે લાગી જઈએ. જયાં સુધી ખેડુતો સુરક્ષિત ના થાય ત્યાં સુધી જંપીશું નહિ.જય કિસાન

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે