GujaratRajkotSaurashtra

ઓસમ ડુંગર પર ફસાયેલા ત્રણ યુવક યુવતીનું કરાયું દિલધડક રેસ્ક્યૂ, પાટણવાવમાં ભારે વરસાદ પડતાં અચાનક બદલાઈ ગઈ સ્થિતિ

ગુજરાતમાં ચોમાસું બેસતા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે ઉપલેટા ના પાટણવાવ ખાતે આવેલા પ્રસિદ્ધ ઓસમ ડુંગર ખાતે ભારે વરસાદના લીધે ત્રણ લોકો ફસાઈ ગયા હતા. તેમ છતાં ફાયર બ્રિગેડની ટીમ અને સરપંચની સતર્કતા દ્વારા આ ત્રણેય લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું.

આ મામલામાં ધોરાજીના મામલતદાર એમ. જી જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઈદની રજા હોવાના લીધે ઉપલેટાના ભાવિન ગીરી, ક્રિષ્નાબેન અને પાટણવાવના અરુણાબેન ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે આવેલા ઓસમ ડુંગર પર ફરવા માટે આવેલા હતા. એવામાં ઉપરવાસમાં ભારે વરસાદ લીધે આ ત્રણેય વ્યક્તિઓ ડુંગર પરથી નીચે ઉતરી શકે તેમ હાલતમાં રહેલા નહોતા. તે કારણોસર તેમના દ્વારા પાટણવાવના સરપંચ પ્રવીણ પેથાણીને બચાવવા માટે ફોન કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત સરપંચ દ્વારા મામલતદારને તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ નગરપાલિકાના ફાયર ફાઈટર તેમજ પાટણવાવના પી. એસ. આઇ. વી. કે કોઠીયા સહિતના અધિકારીઓ ઓસમ ડુંગર ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ તાત્કાલિક અસરથી ત્રણેય વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી તેમને સલામત રીતે ડુંગર પરથી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા.

 

નોંધનીય છે કે, રાજકોટ શહેર સિવાય ગોંડલ શહેર તેમજ ગોંડલ ગ્રામ્ય પંથકની સાથે ઉપલેટા, ધોરાજી, જેતપુર, લોધીકા, જસદણ, આટકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ રહેલો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.