ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે, ત્યારે દરિયાની અંદર ઉછળતા ભયંકર મોજા અને તોફાની પવનોએ અત્યારથી જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. દરિયામાં ઉછળી રહેલા તોફાની મોજ અને પવનોના કારણે હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેવું એ મોતને આમંત્રણ આપવા જેવું છે.
ઉલ્લેખનીય છે કે, હવે ગણતરીના કલાકોમાં જ વાવાઝોડું ત્રાટકવાનું ચર ત્યારે ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવઝોડાની તીવ્ર અસર વર્તાઈ રહી છે. દ્વારકામાં ભારે કરંટને લીધે દરિયામાં 10થી 15 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે, જેને જોતાં દ્વારકાની ઓળખ એવા ગોમતી ઘાટને બંધ કરવામાં આવ્યો છે. કાંઠે વસવાટ કરતા બે હજારથી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, કચ્છના જખૌ બંદરે બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની આગાહી છે, ત્યારે જખૌના કાંઠે અત્યારથી જ વાવાઝોડાની અસર પણ વર્તાઈ રહી છે. ત્યારે વાવાઝોડું કચ્છના જખૌ બંદરે ત્રાટકે તે પહેલેથી જ નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ છે. ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા ખાતે આવેલા માઢવાડ નામના ગામન 6 મકાનો દરિયામાં ઉછળતા ઉંચા મોજાની ઝપેટમાં આવવાને કારણે તૂટી ગયા છે. કેટલાક મકાનો તો નામ પૂરતા જ ટકી રહ્યા છે, તો અમુક મકાનો તો પડીને જમીન દોસ્ત થઇ ગયા છે. તો કચ્છ જિલ્લાના ભુજમાં દીવાલ ધરાશાયી થઈ જવાનાં કારણે 2 બાળકોનું મોત નીપજ્યું છે જ્યારે એક બાળકને ગંભીર ઇજાઓ પહોંચી છે. તો વેરાવળ તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ પડવાના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. હજુ 17 જૂન સુધી વરસાદ પડવાની આગાહી છે.