અમદાવાદમાં થયેલ અકસ્માતના આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આડે હાથે લીધા
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ગત રોજ મોડી રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા છે. તો ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે.ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે પત્રકાર પરિષદ યોજીને આરોપી તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલને આડે હાથે લીધા હતા. હર્ષ સંઘવીએ કહ્યું કે, આ કેસને મોસ્ટ અરજન્ટ અને મોસ્ટ સિરિયસ કેસ તરીકે ટ્રીટ કરવામાં આવશે. તેમજ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.
હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, પ્રજ્ઞેશ પટેલની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના ડોકટર કહેશે તે પછી તરત જ તથ્ય પટેલની ધરપકડ કરી લેવામાં આવશે. આ સાથે જ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ કે જેઓ પહેલેથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અને તેમના પર અકસ્માત થયો તે સ્થળ પર જઇને ત્યાં હાજર સામાન્ય નાગરિકોની સાથે માથાકૂટ કરી તેવો આરોપ છે. ત્યારે પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ પર પણ ગુનો નોંધવામાં આવશે. તેમજ ગાડીમાં તથ્ય પટેલની સાથે બીજા જે લોકો હતા તેમની પણ હાલ શોધખોળ ચાલી રહી છે.
વધુમાં ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આરટીઓનો રિપોર્ટ પણ આજે સાંજ પહેલા મળી જશે. અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ પણ આવતીકાલે મળી જશે. એક અઠવાડિયામાં આ કેસને લઈને ચાર્જ શીટ પૂર્ણ કરવામાં આવશે. આ કેસને મોસ્ટ અરજન્ટ અને મોસ્ટ સિરીયસ કેસ તરીકે ટ્રીટ કરીને તેને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. સામાન્ય ઘરના પરિવારની ખુશીઓ છીનવી લેનાર આ બંને બાપ બેટાને તેમની દાદાગીરીનું ભાન થાય તેવી કાર્યવાહી કરવામાં આવશે.