GujaratMadhya Gujarat

ભુજ-ભચાઉ હાઈવે પર તુફાન કારનો સર્જાયો ગમખ્વાર અકસ્માત, ચારના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતા રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત ભુજ-ભચાઉ હાઇવેથી સામે આવ્યો છે.

જાણકારી મુજબ, ભુજ-ભચાઉ હાઇવે પર સર્જાયેલ અકસ્માતમાં બે ભાઇઓ સહિત ત્રણ લોકોનાં ઘટનાસ્થળ પર કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન એકનું મૃત્યુ થતાં મૃત્યુઆંક ચાર પહોંચી ગયો છે

આ અકસ્માતની વાત કરીએ તો ભુજ-ભચાઉ ધોરી માર્ગ પર આજે સવારના સમયે દીવ-સોમનાથથી દર્શન કરી માધાપર પરત આવતા સોની પરિવારની તુફાન જીપકારને પધ્ધર પાસે સૂઝલોન અને બીકેટી કંપની વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જ્યારે રસ્તા પર કૂતરું આડું આવતા તેને બચાવવા જતા જીપકાર ડાબી તરફના પુલિયાની દીવાલ સાથે અથડાઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, તુફાન જીપકાર પુલની દીવાલ સાથે અથડાતા કારમાં સવાર માધાપરના સોની પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ત્રણેયનું ઘટનાસ્થળ પર કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આઠ સભ્યોને હળવાથી ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તને ભુજની જીકે જનરલ અને ખાનગી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં સારવાર દરમિયાન એકનું મૃત્યુ નીપજ્યું છે. અ મામલામાં પધ્ધર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અકસ્માતમાં માધાપર ગામની બાપા દયાળુ સોસાયટીમાં રહેનાર દિનેશ સુરેન્દ્ર સોની, તેમના ભાઈ મનોજ સુરેન્દ્ર સોની અને દિલીપ હિરજી સોનીનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અન્ય આઠ લોકોને હળવાથી ભારે પ્રકારની ઇજા પહોંચી હોવાની જાણકારી સામે આવી છે.