ભારે વરસાદના લીધે ખંભાળિયામાં ત્રણ માળનું મકાન ધરાશાઈ, બે લોકોના મોત
રાજ્યમાં ચારો તરફ વરસાદી માહોલ રહેલો છે. તેની સાથે અનેક જગ્યાએ વરસાદે હાહાકાર મચાવ્યો છે. એવામાં દેવભૂમિ દ્વારકાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં એક મકાન ધરાશાઈ થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા છે જ્યારે છ લોકોનો ચમત્કારિક રીતે બચાવ થયો છે.
જાણકારી મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા માં ગંગવાણી ફળી વિસ્તારમાં આવેલું એક મકાન ધરાશાઈ થયું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા એનડીઆરએફ ટીમનો કાફલો ઘટનસ્થળ પર પહોંચી રાહત અને બચાવની કામગીરી શરુ કરી હતી. તેમ છતાં મકાનના કાટમાળમાંથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે છ લોકો નો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. જ્યારે ઘટનાની જાણ થતા જ મામલતદાર વિક્રમ વરુ તેમજ ચીફ ઓફિસર ભરત વ્યાસ પણ ઘટના સ્થળ પર પહોંચી આવ્યા હતા.
નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો છે. આ કારણોસર દ્વારકાના કલ્યાણપુરના ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કલ્યાણપુર અને દ્વારકાના ગામડાઓનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેની સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને ડીજીપી વિકાસ સહાય પણ સાથે જોડાઈ ગયા હતા.