AhmedabadGujarat

આગામી ચાર દિવસ રાજ્યમાં કેવો રહેશે વરસાદ? જાણો શું કહ્યું હવામાન વિભાગે?

રાજ્યમાં થોડા દિવસોથી છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જ્યારે હવે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 4 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તેની સાથે આગામી 4 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ રહેવાનો છે. તેમાં પણ ચાર અને પાંચ ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. તેની સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં પવનની ગતિમાં વધારો જોવા મળવાનો છે.

રાજ્યમાં અત્યાર સુધીનો સીઝનનો 92 % વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહન્તી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં આવનારા 4-5 દિવસોમાં ભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર-કચ્છનાં વિસ્તારમાં ઓછો વરસાદ રહેશે પરંતુ બાકીનાં વિસ્તારમાં 4 અને 5 ઓગસ્ટનાં ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશનની સ્થિતિ હોવાના લીધે ગુજરાતમાં હાલમાં પવનની ઝડપ વધુ રહેલી છે. તેના લીધે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે.