AhmedabadGujarat

અમદાવાદના બહેરામપુરામાં જૂની અદાવતમાં છરીના ઘા ઝીંકી યુવકની કરાઈ હત્યા

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જાણે ગુનેગારોને કોઈનો પણ ભઈ ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવી જ એક ઘટના અમદાવાદના બહેરામપુરાથી સામે આવી છે. અમદાવાદના રક્ષાબંધનના દિવસે એક બહેનને પોતાના ભાઈ ગુમાવવાનો વારો આવ્યો છે. અગાઉના ઝઘડાની અદાવતમાં પડોશમાં રહેનાર બે સગા ભાઈઓ દ્વારા છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રક્ષાબંધનના પર્વની ઉજવણી કરીને હિમાંશુ પરમાર પોતાની બહેન માટે ભાજીપાઉ લેવા માટે નીકળેલો હતો. તે દરમિયાન રસ્તામાં ધર્મેશ ચુનારા અને મહેન્દ્ર ચુનારા નામના યુવક કોઈની સાથે ઝઘડો કરી રહ્યા હતા. મૃતક હિમાંશુ અને તેનો ભાઈ વિશાલ પરમાર ત્યાંથી નીકળ્યા તો આરોપીઓ દ્વારા તેમની સાથે ઝઘડો શરૂ કરી દેવામાં આવ્યો હતો. આ ઝઘડો એટલો ઉગ્ર થઈ ગયો કે, બંન્ને ભાઈઓ દ્વારા છરીના ઘા ઝીકીને હિમાંશુ પરમારની હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટનાથી પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. ઘરનો એકના એક કમાવ દીકરાની હત્યા થઈ જતા પરિવાર નિરાધાર બની ગયો છે. જ્યારે આરોપીઓને સખ્ત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, બહેરામપુરામાં થયેલી હિમાંશુ પરમારની હત્યા કેસમાં પોલીસ દ્વારા બે સગા ભાઈ ધર્મેશ ચુનારા અને મહેન્દ્ર ચુનારાની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં બન્ને ભાઈઓ પણ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. તપાસમાં જાણકારી સામે આવી છે કે, મૃતક અને આરોપીઓ એકબીજાના મિત્રો જ રહેલા હતા. 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણી દરમિયાન સિગરેટ પીવાને લઈને તેમના વચ્ચે ઝઘડો થયો હતો. પરંતુ કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નહોતી.  ત્યાર બાદ બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. તેની સાથે એકબીજાથી બંનેએ બોલવાનું પણ બંધ કરી દીધું હતું. રક્ષાબંધનના દિવસે પણ આરોપીઓએ અગાઉના ઝઘડાની અદાવત રાખીને ફરી ઝઘડો કરીને હિમાંશુની હત્યા કરી નાખવામાં આવી હતી. કાગડાપીઠ પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.