ગુજરાતમાં વધુ એક કૌભાંડ થયો હોવાનો આરોપ મુકાયો છે. રાજ્યના પાઠ્યપુસ્તક મંડળના ટેન્ડરમાં કાગળ ખરીદીમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. મળતિયા પેપરમીલ માલિકોના ખિસ્સા ભરવા માટે તેમને જ કોન્ટ્રાક્ટ અપાતો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. સચિવાલયમાં હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, છેક શિક્ષણ મંત્રી સુધી આ આંગર કૌભાંડના તાર જોડાયેલાં છે. ઓછા ભાવે કાગળ આપવા માટે 2 પેપર મીલો તૈયાર છે તેમ છતાં પણ ઉંચા ભાવ વસુલતા મળતિયા પેપરમીલ માલિક પાસેથી જ કાગળ કેમ ખરીદવામાં આવ્યાં તેને લઈને અનેક સવાલ ઉઠ્યા છે.
ઉલ્લેખનીય છે કે 1 કિલો કાગળનો ભાવ બીજા 80 રૂપિયા છે તેમ છતાં પણ 108 રૂપિયાના મોંઘા ભાવે કાગળ ખરીદવાની પરમિશન કેમ આપવામાં આવી એ એક મોટો સવાલ છે. રાજ્ય સરકાર દ્વારા કાગળ ખરીદી માટે 371 કરોડ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સામે પણ આક્ષેપો થઈ રહ્યા છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ કૌભાંડના તાર શિક્ષણ મંત્રી સુધી જોડાયેલા છે. અને શિક્ષણમંત્રીને બચાવવા માટે થઈને સરકારે IAS અધિકારીઓનો ભોગ લીધો. સચિવાયલમાં લોકો ચર્ચા કરી રહ્યા છે કે મળતિયા પેપરમીલ માલિકોના ખિસ્સામાં 60 કરોડથી વધુની કમાણી ભરવા માટે આ આખો ખેલ ખેલાયો છે.
નોંધનીય છે કે, ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પુસ્તકો માટે કાગળ ખરીદવા એક ટેન્ડર બહાર પાડ્યુ હતુ. જેમાં ચઠ્ઠા પેપરમિલ,શાહ પેપ૨ મિલ, શ્રેયાન્સ ઇન્ડસ્ટ્રીઝ અને સતિયા ઇન્ડસ્ટ્રીઝે ટેન્ડર ભર્યુ હતું. જેમાંથી પેપરમીલોએ ઉચ્ચ ગુણવત્તાના કાગળ તદ્દન ઓછા ભાવે આપવા તૈયારી દર્શાવી હતી. પરંતુ મળતિયા પેપરમિલ માલિકના ખિસ્સા ભરવા માટે થઈને પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ટેન્ડરની શરતોમાં તાત્કાલિક સુધારો કરી દેવામાં આવ્યો હતો. અને નવા સુધારામાં ઉમેર્યું કે, પેપર મિલનું વાર્ષિક ટર્નઓવર 142 કરોડ રૂપિયાને બદલે 185 કરોડ રૂપિયા કરોડ હોવુ જોઇએ. આ ઉપરાંત અત્યાર સુધી સિક્યુરિટી ક્રાઇબર તેમજ મેપલિથો પેપર-વોટરમાર્ક માટે એક વિકલ્પ અપાતો હતો. તેના બદલે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા સિક્યુરિટી ફાઇબરનો વિકલ્પ જ રદ કરી દેવાયો હતો.
તમને જણાવી દઈએ કે, રાતોરાત ટેન્ડરમાં શરતો બદલી દેવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ આખા કૌભાંડની જાણ સરકારને થઈ જતા જ સરકારે પાઠ્યપુસ્તક મંડળનો હવાલો સંભાળતા IAS અધિકારી રતનકંવરનું નામ આગળ કરીને સમગ્ર પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવાનો પ્રયત્ન કર્યો છે. હાલ આ સમગ્ર મામલાને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.