રાજકોટમાં રિક્ષામાં બેસાડી ઢોંગ કરીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ૩૬ ચોરીના ભેદ ઉકેલાયા
રાજકોટ ક્રાઈમ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. રિક્ષામાં બેસી રોકડ અને મોબાઈલની ચોરી કરતી રિક્ષા ગેંગને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ચાર વ્યક્તિઓને ઝડપી પાડી ૩૬ ગુનાઓનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ચાર વ્યક્તિઓ પાસેથી ત્રણ રિક્ષા, રોકડ, સહિત કુલ 2.38 લાખ મુદ્દામાલ જપ્ત કરી અન્ય ચોરીના ભેદ ઉકેલવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેરની વાત કરીએ તો છેલ્લા થોડા સમયથી લોકોને રિક્ષામાં બેસાડી નજર ચુકવી મોબાઈલ અને રોકડની ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદોમાં વધારો થયો હતો. આ બાબતમાં કાર્યવાહી કરતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ભગવતીપરામાં આવાસના કવાટરમાં રહેનાર રાહીલ દિલાવરભાઈ બાબવાણી, રફીક ઉર્ફે ભેરો હનીફભાઈ શેખ, ભગવતીપરામાં રહેનાર રમજાન ઉર્ફે રમજુ હુસેનભાઈ રાઉમા, ભકિતનગર સર્કલ પાસે ફુટપાટ પર રહેનાર ગુણવંત રાજુભાઈ મકવાણાને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
ત્યાર બાદ આરોપીઓની પૂછપરછ દરમિયાન ઘણી જાણકારી સામે આવી હતી. જેમાં આરોપીઓ દ્વારા છેલ્લા એક મહિનામાં રાજકોટ, વાકાનેર, પડઘરી અને ચોટીલા પાસેથી રિક્ષામાં બેસાડી પેસેન્જરની નજર ચુકવી રોકડ-મોબાઈલની ૩૬ ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ત્રણ રિક્ષા, ચાર મોબાઈલ અને રૂ. 14 હજારની રોકડ પ્રાપ્ત કરી કુલ રૂ.2.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.