GujaratSaurashtra

રાજપીપળામાં ઉકરડા અને દબાણ હટાવવા મુદ્દે જૂથ અથડામણ, છ લોકો ઈજાગ્રસ્ત

રાજ્યમાં ક્રાઈમનો સતત વધારો થઈ રહ્યો છે અને તેને લઈને સમાચાર સામે આવતા રહે છે. જ્યારે આજે બોટાદ જિલ્લામાંથી જૂથ અથડામણની જાણકારી સામે આવી છે. ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવા બાબતમાં જૂથ અથડામણમાં કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે તમામ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા છે. હાલમાં આ ઘટના સર્જાતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે.

જાણકારી અનુસાર, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાજપીપળા ગામમાં ઘર પાસે કરવામાં આવેલ ઉકરડા અને દબાણ હટાવવા બાબતમાં ગઈકાલ રાત્રીના બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ ઝઘડાએ વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું અને બંને જૂથ વચ્ચે મારામારી શરુ થઈ ગઈ છે. બન્ને જૂથના લોકો દ્વારા કુહાડી, લાકડીઓ અને લોખંડની પાઈપો સાથે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો. બંને જૂથે વચ્ચે સામ-સામે હથીયાર વડે હુમલો કરવામાં આવતા ગામમાં ભયજનક વાતાવરણ ઉભું થઈ ગયું છે.

ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસની સાથે ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આ જૂથ અથડામણમાં કુલ 6 લોકોને ઈજાઓ થઈ હતી. જેમાંથી 4 ઈજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલમાં જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્તોને બોટાદની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. જ્યારે રાજપીપળા ગામમાં પરિસ્થિતિ વધુ ઉગ્ર ના બંને તે માટે પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. હાલમાં ગઢડા પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં વધુ તપાસ શરુ કરવામાં આવી છે.