સિદ્ધપુરમાં પાણીની પાઈપલાઈનમાંથી પાણીને બદલે નીકળી રહ્યા છે અવશેષો
17 અને 18 તારીખે સિદ્ધપુર નગરપાલિકાની હદમાં આવતા બે જુદા જુદા વિસ્તારની પાણીની પાઈપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળી આવતા ચકચાર મચી હતી. ત્યારબાદ તરત જ પાલિકા દ્વારા પાણીની આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ, પાલિકાને આશંકા હતી કે પાઈપલાઈનમાંથી મૃતદેહના હજી પણ અવશેષ હોઈ શકે છે તેથી રિમોટ ઓપરેટેડ કેમેરા લઈને અમદાવાદ મહાનગર પાલિકાની એક ટિમ સિદ્ધપુર પહોંચી હતી. પરંતુ, પાઈપલાઈન કેમેરા કરતા ખૂબ નાની હોવાના કારણે કેમેરો પાઈપલાઈનમાં પ્રવેશી શક્યો ન હતો. ત્યારપછી પાલિકાએ પાણીની ટાંકીમાં 5 લાખ લીટર પાંચ લાખ લીટર પાણી ભર્યું જેમાં હાઇપો ક્લોરાઈટ, ક્લોરીન પોટેશિયમ પરમેગેનેટ જેવા કેમિકલ નાખવામાં આવ્યા હતા. અને પછી જે બે જગ્યાએ અવશેષો મળ્યા હતા તે સિવાયના તમામ વાલ્વ બંધ કરીને ફૂલ ફોર્સથી પાણી છોડ્યું હતું. પાલિકાએ આમ કરતા જ લાલ દોશીની પોળ નજીકથી એક પગ મળી આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સિદ્ધપુર શહેરના ઉપલી શેરી વિસ્તારમાં પીવાનું પાણી અચાનક જ બંધ થઈ ગયું હતું. જેથી સ્થાનિકોએ તેમના કોર્પોરેટરોને રજુઆત કરી કે નગરપાલિકાની પાણીની લાઈનમાંથી પીવાનું પાણી આવવાનું બંધ થઇ ગયું છે. તેથી પાલિકાએ ખોદકામ કરીને તપાસ કરી તો ઉપલી શેરી વિસ્તારની પાણીની પાઇપલાઈનમાંથી શંકાસ્પદ મૃતદેહના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. સિદ્ધપુર સિવિલમાં આ અવશેષોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારપછી વધુ તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં આ અવશેષોને મોકલવામાં આવ્યા હતા. મંગળવારના રોજ બનેલ આ ઘટના પછી બુધવારના રોજ સિદ્ધપુર શહેરની લાલ દોશીની શેરીમાં આવેલી પાણીની પાઈપલાઈનમાંથી મૃતદેહના વધુ અવશેષો મળી આવ્યા હતા.
નોંધનીય છે કે, 7 મેના રોજ સિદ્ધપુરમાં વસવાટ કરતી લવિના નામની એક યુવતી ગુમ થઈ હતી. જેનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પાણીની ટાંકી બાજુ જવાના રસ્તા પરના એક CCTV કેમેરામાં ગુમ થયેલી યુવતી દેખાઈ છે. પોલીસે પાણીની ટાંકીની તપાસ કરી તો ત્યાંથી એક દુપટ્ટો પણ મળી આવ્યો હતો. જે દુપટ્ટો ગુમ થયેલી લવીના નામની યુવતીનો હોવાનું માનવામાં આવે છે. ત્યારે નગરપાલિકાની પાણીની પાઈપલાઈનમાંથી મૃતદેહને જે અવશેષો મળી આવ્યા છે તે અવશેષો ગુમ થયેલી લવીના યુવતીના જ છે કે નહીં તે અંગેની તપાસ માટે DNA રિપોર્ટ કરાવવામાં આવી રહ્યો છે. તેથી અમદાવાદની ફોરેન્સિક લેબોરેટરીમાં ગુમ થયેલી યુવતીના માતા-પિતાના બ્લડ સેમ્પલ મોકલવામાં આવ્યા છે. આમ હાલ તો પોલીસ આ સમગ્ર મામલે સઘન તપાસ કરી રહી છે.