સંસ્કારી નગરી વડોદરામાં નશામાં ધૂત યુવતીએ પોલીસ પર હાથ ઉપાડ્યો અને પછી…..
ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં નશા ધુત લોકો જોવા મળી જાય છે. આવી જ એક બાબત વડોદરાથી સામે આવી છે. વડોદરામાં નશામાં ધૂત એક યુવતી દ્વારા જાહેરમાં પોલીસ કર્મચારીઓ સાથે ગાળાગાળી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે નશામાં ભાન ભૂલેલી યુવતીએ પોલીસ કર્મચારીને થપ્પડ પણ મારી દીધી હતી.
જાણકારી મુજબ વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક યુવતીના લીધે હાઈવોલ્ટેજ ડ્રામા ઉભો થયો હતો. નશામાં ધૂત યુવતી દ્વારા પોલીસ સાથે બબાલ કરવામાં આવી હતી. રાત્રી દરમિયાન બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારી દ્વારા કાર રોકવામાં આવતા યુવતી રોષે ભરાઈ ગઈ હતી. યુવતી તે સમયે નશામાં ધૂત હતી. તેના લીધે તેણે પોલીસ કર્મચારીઓ સાથે જાહેરમાં ગાળાગાળી કરી નાખી હતી. એટલુ જ નહિ, યુવતી દ્વારા પોલીસ સાથે ગાળાગાળી કરી જમાદારને થપ્પડ મારી દેવામાં આવ્યો હતો. યુવતી દ્વારા પોલીસને કહેવામાં આવ્યું કે, મારો વીડિયો ઉતારી લો, ને થાય તે તમે કરી લો. ત્યાર બાદ ગોત્રી પોલીસ દ્વારા બેફામ બનેલી યુવતીની અટકાયત કરવામાં આવી હતી.
આ મામલામાં ગોત્રી પોલીસ દ્વારા મોના હિંગુ નામની યુવતીની અટકાયત કરવામાં આવી છે. તેની અટકાયત બાદ જાણકારી સામે આવી છે કે, મોના હિંગુ નામની યુવતી ગોત્રી ગોકુલ પાર્ટી પ્લોટ પાસે રોડ ક્રોસ કરવા મામલામાં એક રાહદારી સાથે તકરાર થઈ હતી. એક રાહદારી દ્વારા યુવતીની ગેરવર્તણૂક અંગે 100 નંબર ફરિયાદ કરવામાં આવી હતી. તેના લીધે પોલીસ ટીમની ઘટનાસ્થળ પર દોડી આવી હતી.
ત્યાર બાદ ઘટના સ્થળ પર પોલીસ પહોંચતા યુવતી દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. યુવતીની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, વાસણા ભાયલી રોડ વિસ્તારમાં તેના દ્વારા દારૂની મેહફીલ માણવામાં આવી હતી. મેહફીલ માણ્યા બાદ સિટી વિસ્તારમાં કાર લઈને તે પોતાના ઘરે જઈ રહી હતી. મોના હિંગુની વાત કરીએ તો તે નેલ આર્ટનું કામ કરે છે. તેની સામે કલમ 185 મુજબ નશો કરીને બેફામ વાહન હંકારવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ કલમ 332 પોલીસ કર્મીઓ સાથે ગેરવર્તણૂંક તેમજ સરકારી કામમાં દખલ કરવાની કલમ ઉમેરીને આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.