અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલની અમદાવાદમાં પ્રવેશવાની અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પ્રવેશવા દેવાની માંગ સાથે અરજી કરવામાં આવી હતી. તે અરજી જસ્ટીસ એમ આર મેંગડે દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, પ્રજ્ઞેશ પટેલ દ્વારા અરજીમાં પોતાની પત્ની બીમાર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેની સાથે પોતાના વ્યવસાય અમદાવાદ શહેર સાથે સંકળાયેલો હોવાના લીધે તેમને અનેક અગવડો પડતી હોવાનો ઉલ્લેખ અરજીમાં કર્યો હતો. આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા કોર્ટ દ્વારા અમદાવાદ શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ અગાઉ પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન આપ્યા હતા. તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાથી અને કેન્સરની સારવાર ચાલી રહી હોવાની કોર્ટમાં દલીલ કરાઈ હતી. તેને લઈને 3 મહિના 11 દિવસ બાદ આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન પ્રાપ્ત થયા હતા.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલ ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલ દીકરો છે. તેની સાથે અકસ્માત સર્જાયા બાદ પ્રજ્ઞેશ પટેલ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચીને પોલીસ સાથે દાદાગીરી કરવામાં આવી હતી અને તથ્યને છોડાવીને રાત્રે જ લઈને ચાલ્યા ગયા હતા. જ્યારે પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે. નવેમ્બર 2020 માં તેમની સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.