SaurashtraGujaratRajkot

ક્ષત્રિય મહાસંમેલનમાં અશ્વિનસિંહ સરવૈયાએ પુરુષોત્તમ રૂપાલાને લઈને આપ્યું મોટું નિવેદન

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેના હેઠળ 14 એપ્રિલ ના રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ સિવાય રાજસ્થાન અને મહારાષ્ટ્ર માંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રતનપરમાં મહાસંમેલનનું આયોજન કરાયું હતું.

આ દરમિયાન ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનને સંબોધન કરતા શ્રી રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વગર આમંત્રણે બે દિવસની મુદતમાં ક્ષત્રિયો લાખોની સંખ્યામાં એકઠા થયા છે. હું મારા ક્ષત્રિય સમાજની લાગણી સારી રીતે સમજું છું. આજે ભાજપ વાળા સમજતા નથી, રૂપાલા તમને રૂપાળા કેમ લાગી રહ્યા છે. સમગ્ર સમાજ એક બાજું અને એક વ્યક્તિને હટાવી શકતા નથી. ભાજપને 400 પાર કરવા ટિકિટ જોવે છે. રાજપૂતોને ટિકિટ આપો તો 500 પાર ચાલી જશે. આ સભા પૂર્ણ થાયને અમે ઘરે જઈએ અને તમે બ્રેકિંગ ન્યૂઝ આપો કે રૂપાલા હટી ગયા છે.

તેની સાથે વધુમાં અશ્વિન સિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ અસ્મિતાની લડાઈ છે. આ સ્વાભિમાનનું આંદોલન રહેલ છે. કોઈ જ્ઞાતિ કે પક્ષ સાથે લેવા-દેવા રહેલ નથી. રૂપાલાએ મા-દીકરી વિશે શબ્દો વાપર્યા છે તેના માટે અમારું આંદોલન રહેલું છે. રાજાઓએ રજવાડા આપી દીધા છે. અમારી તો માત્ર એક વ્યક્તિને બદલવાની માંગ કરી છે. શાંતિનું આંદોલન રહેલ છે. અહિંસક આંદોલન છે. કોઈને નુકસાન પહોંચાડ્યું નથી.

જ્યારે આ સંમેલનની વાત કરીએ તો જેમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, રાજપૂત સમાજ સંકલન સમિતિના ચેરમેન ગોવુભા ડાડા, કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડા, સંકલન સમિતિના ગુજરાત રાજ્યના પ્રમુખ તૃપ્તીબા રાઉલ, કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા અને વિરભદ્રસિંહ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.