AhmedabadGujarat

ઇસ્કોન બ્રીજ અકસ્માત : નીચલી કોર્ટમાં જામીન ન મળતા હવે પ્રજ્ઞેશ પટેલે અપનાવ્યો નવો રસ્તો

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા રહેલા લોકોને ફૂલ ઝડપે આવી રહેલી જેગુઆર કાર દ્વારા ૨૨ લોકોને અડફેટે લેવામાં આવતા નવ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત તથ્ય પટેલ દ્વારા સર્જવામાં આવ્યો હતો. જ્યારે આ અકસ્માત બાદ પ્રજ્ઞેશ પટેલ તેના પુત્ર તથ્ય પટેલને પોલીસ સમક્ષ હાજર કરવાને બદલે અન્ય સલામત સ્થળ પર લઇ ગયા હતા. તેની સાથે આ દરમિયાન તેમના દ્વારા ત્યાં રહેલ લોકોને ધમકાવ્યા પણ હતા. આ કારણોસર પ્રજ્ઞેશ પટેલને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. એવામાં પ્રજ્ઞેશ પટેલ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. તેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. જ્યારે હાલમાં પ્રજ્ઞેશ પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદ જેલમાં બંધ રહેલા છે. ત્યારે કોર્ટ દ્વારા પ્રગ્નેશ પટેલની મેડિકલ ગ્રાઉન્ડ ઉપર ફાઈલ કરવામાં આવેલ વચગાળાની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. તેના લીધે પ્રગ્નેશ પટેલ દ્વારા હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.

પ્રજ્ઞેશ પટેલના વકીલ નિસાર વૈદ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગ્રામ્ય સેશન્સ કોર્ટ દ્વારા પ્રજ્ઞેશ પટેલના જામીન ફગાવતા હવે પ્રજ્ઞેશ પટેલની રેગ્યુલર જામીન અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે. તેના પર આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. હાઇકોર્ટમાં પ્રજ્ઞેશ પટેલ વતી એડવોકેટ સોમનાથ વત્સે દ્વારા દલીલ કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે.

તમને જણાવી દઈએ કે, વચગાળાની જામીન અરજી પર પ્રજ્ઞેશ પટેલના વકીલ નિસાર વૈદ્ય દ્વારા કોર્ટમાં રજૂઆત કરત જણાવ્યું હતું કે, પ્રગ્નેશ પટેલને 2019 થી મોઢાના કેન્સરની બીમારી રહેલી છે. મુંબઈની હોસ્પિટલની એપોઇન્ટમેન્ટ સ્લીપ ઇ-મેઇલથી પ્રાપ્ત થઈ છે. આ અગાઉના ઇલાજને લગતા કાગળો પણ રહેલા છે. તેમની રેગ્યુલર ટ્રિટમેન્ટ ચાલી રહેલી છે. કોર્ટ દ્વારા તેની તપાસ કરાવવામાં આવી શકે છે. તેમને કેન્સર જેવી ગંભીર બીમારી રહેલી છે. જો તેમનો ઈલાજ છૂટી જશે તો આ બીમારી બીજા સ્ટેજમાં પહોંચે તેવી શક્યતા રહેલી છે. આ અગાઉ જ્યારે અન્ય કેસમાં પ્રજ્ઞેશ પટેલ જેલમાં રહેલા હતા ત્યારે પેરોલ મળતા સારવાર કરાવવામાં આવી હતી. આ વર્ષ 2021-22 ની વાત રહેલી છે. તેમની 2019 થી સારવાર ચાલી રહી છે.

નોંધનીય છે કે, પ્રજ્ઞેશ પટેલ ધરપકડ સમયે અને ત્યારબાદ પણ પોતાને કેન્સર હોવાનું જણાવવામાં આવ્યું  નહોતું. પ્રજ્ઞેશ પટેલ પર 10 થી વધુ કેસ નોંધાયેલા છે. મૃતકોના પરિવાર દ્વારા પણ પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી સામે વાંધા અરજી અપાઈ હતી. ગ્રામ્ય કોર્ટના આદેશ અનુસાર અસારવા ખાતે આવેલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 10 દિવસ સારવાર બાદ તેમનો રિપોર્ટ કોર્ટને સુપરત કરવામાં આવશે.