ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ભગવાન જગન્નાથ પણ સરસપુર તેમના મોસાળથી નીકળીને નીજ મંદિર પરત ફર્યા હતા. ત્યારપછી નેત્રોત્સવ વિધિ કરવા આવે છે અને બાદમાં મંદિરમાં એક ભંડારાનું આયોજન કરવામાં આવે છે અને જેમાં ભક્તોને ધોળી દાળ અને કાળી રોટલીનો પ્રસાદ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષોથી ચાલતી આવતી પ્રસાદની આ જૂની પરંપરા આજે પણ યથાવત્ છે. ત્યારે સૌને એવો સવાલ થાય કે, ધોળી દાળ અને કાળી રોટી શા માટે? તો તમને જણાવી દઈએ કે, ધોળી દાળ એટલે દૂધપાક અને કાળી રોટી એટલે માલપૂઆ. ધોળી દાળ અને કાળી રોટીનું એક વિશેષ મહત્વ છે. મહંત નરસિંહદાસજી અત્યંત સેવા ભાવી હતા અને તેઓ હંમેશા ધ્યાન રાખતા કે લોકો ભૂખ્યા ન રહે. અને તે સમયે ભોજનમાં લોકોને દૂધપાક અને માલપુવા અપાતું હતું. ત્યારથી શરૂ થયેલી આ પરંપરા આજદિન સુધી જીવંત છે. ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી એ જ ધ્યેય જગન્નાથ મંદિરના ગાદીપતિઓનો રહ્યો છે.
નોંધનીય છે કે, ભગવાન જગન્નાથજી, તેમના બહેન સુભદ્રાજી તેમજ ભાઈ બળભદ્રજી આવતીકાલે મંગળવારના રોજ શહેરની નગરચર્યાએ નીકળવાના છે. ત્યારે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની તમામ તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.