ફળોના રાજા કેરીએ બજારમાં એન્ટ્રી કરી લીધી છે. પરંતુ કેરીના નાના ફળ પરિપક્વતાને આરે પહોંચતા ખેડુતોએ મજબૂરીમાં જ તેને ઉતારી બજારમાં લાવવા પડ્યા છે. ગરમી વધુ પડવાને કારણે કેરી વહેલી ઉતારતા ખેડૂતોને અને ફળ નાના રહી જતા વેપારીઓને હાલ તો નુકશાની વેઠવી પડે એવી સ્થિતિ બની છે.
નોંધનીય છે કે, ગ્લોબલ વોર્મિગની અસરના કારણે ઋતુ ચક્ર અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદ, ઠંડી અને ગરમી એમ ત્રણ વાતાવરણને કારણે ખેતી પર ખૂબ મોટી અસર પડી છે. તેમાં ઓન ખાસ કરીને ઉનાળામાં સૌથી વધુ જેની લોકો રાહ જુએ છે તેવી કેરીના પાકમાં ખરણ જોવા મળ્યું અને વધુ પડતી ગરમીને કારણે ઝાડ પર કેરીનું ફળ નાનું જ પાકી જવાથી ખેડૂતોએ મજબૂરીમાં કેરીને ઉતારવી પડી છે. સાથે જ અનેક કેરીઓમાં મધીયો લાગી જવાના લીધે અનેક રોગ પણ અસર કરી રહ્યા છે. હાલ તો કેરીનું વહેલું આગમન રહી જતા નવસારી APMC માં 15 દિવસ પહેલા 2500 રૂપિયે મણ મળતી કેરીનો ભાવ 900 થી 1690 રૂપિયાએ પહોંચ્યો છે.
પરંતુ કેરીની ગુણવત્તા આધારે ભાવ મળતા ખેડૂતોએ હાલ તો આર્થિક નુકશાની વેઠવાનો વખત આવ્યો છે. બીજી બાજુ કેરીને MSPમાં સમાવીને વાતાવરણની અસરને ધ્યાને લઇ છેલ્લા 15 વર્ષોથી કેરી પકવતા ખેડૂતોને આ આર્થિક ફટકા સામે રક્ષણ આપવા સરકાર કેરીના પાકને પ્રધાનમંત્રી વીમા યોજનામાં સમાવે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, ફળોના રાજા કેરી એ દરેકના મનને ખાવા માટે લલચાવી દે છે. ત્યારે ચાલુ વર્ષે 15 દિવસ પહેલા જ કેરીનું આગમન થતા લોકો ખુશ થયા છે. પરંતુ વધુ પડતી ગરમીને કારણે આંબાવાડીઓમાં કેરીઓ આંબા પર જ પાકી જવા તેમજ નાના ફળે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.