કોડીનાર : આઠ વર્ષની સગીર બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા
કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં બે વર્ષ અગાઉ આઠ વર્ષની સગીર બાળકી ઉપર જંતરાખડી જ ગામના શમાજી ભીખા સોલંકી દ્વારા દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કર્યાનો કેસ સામે આવ્યો હતો. હવે આ મામલામાં કોડીનાર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટના ન્યાયાધીશ એસ. આઇ. ભોરણીયા દ્વારા બનાવ ની ગંભીરતાને ધ્યાનમાં લેતા આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, ગીર સોમનાથ જિલ્લા ની કોડીનાર તાલુકા ની આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને ત્યાર બાદ તેની હત્યા નો બનાવ બનતા આ બનાવની ગંભીરતાને ગૃહ રાજ્ય મંત્રી દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીની બનેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) ની રચના કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે એફએસએલની મદદથી તમામ પુરાવા એકઠા કરી ૨૫ દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા નરાધમને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે.
કોર્ટ દ્વારા સજા ફટકારવાની સાથે બાળકીના પરિવારને 17 લાખ વળતર ચૂકવવા આરોપીને આદેશ આપવામાં આવ્યો છે. દુષ્કર્મ આચરનાર નરાધમને મળેલી સખ્ત એવી ફાંસીની સજા થી માસૂમ દીકરીના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા આપેલી બાહેધરી અને ગૃહમંત્રીએ આપેલું વચન આજે પૂર્ણ કરવામાં આવેલ છે. તેની સાથે સાધુ સમાજની દીકરીને ન્યાય પ્રાપ્ત થયો છે.