GujaratAhmedabad

ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ ક્ષત્રિય સમાજના આંદોલન પાર્ટ-૨ ને લઈને કરી મોટી જાહેરાત

રાજકોટ ભાજપ ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલા પર કરવામાં આવેલ વિવાદિત નિવેદનને લઈને તેમનો સતત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ક્ષત્રિય સમાજનું પાર્ટ-૨ આંદોલન શરુ કરાયું છે. આ બાબતમાં સવારના ધર્મરથનો પ્રારંભ પણ કરાયો હતો. ત્યાર બાદ ક્ષત્રિય આંદોલનની સંકલન સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી. જેમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 ને લઈને જાહેરાતો કરવામાં આવી હતી. તેમજ ભાજપ દ્વારા આંતરિક વિખવાદ ઉભો કરવાના પ્રયાસનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. તેની સાથે જૂનાગઢ ખાતે ભાજપનાં નેતા કિરીટ પટેલ દ્વારા કરવામાં આવેલા નિવેદનને વખોડી તેમની સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, ક્ષત્રિય સંકલન સમિતિના કરણસિંહ ચાવડા, રમજુભા જાડેજા, અશ્વિનસિંહ સરવૈયા, પી.ટી. જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા અને કિશોરસિંહ ઝાલા સહિતનાં કોર કમિટીના સભ્યો પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા.

આ દરમિયાન ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 24 તારીખથી ક્ષત્રિય આંદોલનનો પાર્ટ-2 શરૂ થયેલ છે. આજે ધર્મરથનાં પ્રારંભ લઈને સંકલન સમિતિ આગેવાનો અહીં હાજર રહ્યા હતા. 18 વોર્ડમાં બુથ કમિટી અને કાર્યાલય શરૂ કરાયા છે. રોજ રાત્રિ સભાના આયોજન કરવામાં આવી રહી છે અને ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજને જોડાવા આહવાન પણ કરવામાં આવી રહ્યું છે. મને વિશ્વાસ છે કે, નારી સન્માનને લઈને મતદાનનાં દિવસે મોટી સંખ્યા લોકો જોડાવવાના છે.

તેની સાથે વધુમાં તેમને જણાવ્યું કે, ધર્મરથ આજે દ્વારિકા, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ફરી રહ્યો છે અને અઢારેય વરણનાં લોકોને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રૂપાલા જેવા નેતાઓ દ્વારા અન્ય સમાજનું પણ અપમાન કરવામાં આવશે. ગઈકાલના જૂનાગઢ ખાતે ભાજપના કિરીટ પટેલ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. તેમના આ નિવેદનને હું ગુજરાતની નારી શક્તિ વતી વખોડી રહ્યો છું. આ ભાઈ રૂપાલાનાં શિષ્ય હોય તેવું જોવા મળી રહ્યું છે. ક્ષમા ક્ષત્રિયોનો ધર્મ રહેલો છે. પરંતુ આવા નિવેદનો થયા કરે તો ક્ષમા ક્યાં સુધી ચાલવાની છે. ગઈકાલના અમે અમદાવાદની પ્રેસમાં મુદ્દો ઉઠાવ્યો હતો. પુરુષોત્તમ રૂપાલા કરતા ખરાબ વાતો કિરીટ પટેલ દ્વારા કરવામાં છે. તેમ છતાં ભાજપનાં હાઇકમાન્ડે દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે આવા નેતાઓનાં નિવેદન સાથે ભાજપ સહમત હોય તેવું જોવા મળી રહ્યું છે.

આ સિવાય તેમને એ પણ જણાવ્યું કે, અમારા દ્વારા લોકસંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે જાણ થઈ કે, ભાજપનાં લોકોએ આંતરિક વિખવાદ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ ભાજપ દ્વારા આગ લગાડવાનું કામ કરવામાં અવી રહ્યું છે, ત્યારે હવે જે કંઈપણ થાય તેની જવાબદારી ભાજપની જ રહેવાની છે. આગામી સમયમાં અલગ-અલગ જિલ્લામાં મહાસંમેલન યોજાશે. જેમાં 27 મી એપ્રિલ 24 નાં રોજ મહેસાણા જિલ્લામાં વિસનગરમાં મહાસંમેલન યોજાશે. જયારે 28 મી એપ્રિલ સાંજના પાંચ વાગ્યે દક્ષિણ ગુજરાતનું મહાસંમેલન બારડોલી ખાતે યોજાવાનું છે. જેમાં 25000 કરતા વધુ ક્ષત્રિયો એકત્ર થવાના છે. ગુજરાત સ્થાપના દિવસ અસ્મિતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. આ દિવસે એટલે કે, 1 મેનાં રોજ આણંદ ખાતે પાંચ વાગે મહાસંમેલન યોજાવાનું છે. એટલું જ નહીં છેલ્લે 2 મે નાં રોજ જામનગર ખાતે પણ ચાર વાગે મહાસંમેલનનું આયોજન કરાયું છે. તેની સાથે અમારી એક માંગણી હતી કે, પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવામાં આવે. જ્યારે હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે.