GujaratRajkotSaurashtra

નેપાળથી રોજગારની શોધમાં આવેલ પ્રેમીઓએ લાખો રૂપિયાની કરી લૂંટ

રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદવિસ્તારમાં ચાર દિવસ અગાઉ એક ઘરમાંથી લૂંટની ઘટના સામે આવી હતી. ત્યારે રાજકોટ પોલીસે આ સમગ્ર મામલે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર પોલીસે લૂંટના કેસમાં સામેલ 19 વર્ષીય સુશીલા ઉર્ફે રમા ઉર્ફે મીના શાહી અને તેના 38 વર્ષીય પ્રેમી પવનપ્રકાશ શાહી તેમજ 43 વર્ષીય નેત્ર શાહીની ધરપકડ કરી લીધી છે. સુશીલા અને પવન પ્રકાશ છેલ્લા ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં છે. પોતાના વતનમાં કોઈ રોજગારી ના મળતા આ લોકો આશરે બે થી અઢી મહિના પહેલા રોજગારી માટે નેપાળથી રાજકોટ ખાતે આવ્યા હતા. સુશીલા અને પવન પ્રકાશની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેમને પૈસાની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ હતી. જે પછી સુશીલાએ ઘરઘાટી તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જ આ બંને જણાએ મોટી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

નોંધનીય છે કે, લૂંટનો જે પ્લાન હતો તે અનુસાર બપોરના સમય દરમિયાન ઘરમાં હાજર રહેલા માતા અને દીકરાને ઘેનની ગોળી નાખેલું દૂધ આપવામાં આવ્યું હતું. બાદમાં માતા અને પુત્ર બંને દૂધ પીને સૂઈ ગયા પછી સુશીલા અને તેના પ્રેમી પવનપ્રકાશે પ્લાન અનુસાર ઘરમાં રહેલ રોકડ અને અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરવાનું શરૂ કર્યું હતું. જોકે ફરિયાદી ઉર્વશીબેન આ દરમિયાન જાગી જતા તેમણે સુશીલા અને તેના પવનપ્રકાશને પડકાર્યા હતા. પોતાનો ભાંડો ફૂટી જશે તેવું લાગતા જ બંને જણાએ ઉર્વશીબેનને પહેલા બાથરૂમમાં પૂરી દીધા અને બાદમાં તેમને ખુરશી સાથે બાંધી દીધા હતા.

તમને જણાવી દઈએ કે, લૂંટની ઘટનાને અંજામ આપ્યા પછી આરોપીઓએ તેમના ઘરે જઈને કપડાં બદલી કાઢ્યા હતા. ત્યારપછી રીક્ષા અને બીજા વાહનોની મદદથી આ આરોપીઓએ જૂનાગઢ ખાતે પહોંચીને શ્રદ્ધાળુ બનીને ધર્મશાળામાં રોકાણ કર્યું હતું. તેમજ જૂનાગઢથી તેઓ સોમનાથ દર્શન કરીને ત્યાંથી તેઓ તેમના મૂળ વતન નેપાળ પરત જવાના હતા. ત્યારે આરોપીઓ નેપાળ પહોંચે તે પહેલાં જ રાજકોટ પોલોસે તેમને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.