IndiaNews

લેહ-લદ્દાખમાં મોટો અકસ્માત, 9 જવાનો શહીદ

લદ્દાખના લેહમાં એક લશ્કરી વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડતાં ઓછામાં ઓછા 9 સૈનિકોના મોત થયા હતા. શહીદોમાં 2 જેસીઓ અને સેનાના 7 જવાનોનો સમાવેશ થાય છે. પોલીસે શનિવારે સાંજે આ જાણકારી આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે સાંજે લગભગ 6.30 વાગ્યે, લેહના કિયારીમાં નિઓમા તરફ વળાંક પર વાહનનો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 9 જવાનોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક જવાનને સામાન્ય ઈજા થઈ હતી.

લદ્દાખમાં બનેલી ઘટનાની પુષ્ટિ કરતા એક સંરક્ષણ અધિકારીએ કહ્યું કે, ‘કિયારી શહેરથી 7 કિમી દૂર એક અકસ્માતમાં ભારતીય સેનાના 9 જવાનોએ જીવ ગુમાવ્યો, જ્યારે તેમનું વાહન ખાડામાં પડી ગયું. આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા છે.તેમણે જણાવ્યું કે આ સૈનિકો કારુ ચોકીથી લેહ નજીક કિયારી તરફ જઈ રહ્યા હતા.

તે જ સમયે, ભારતીય સૈન્યના એક અધિકારીએ જણાવ્યું હતું કે એક ALS વાહન જે લેહથી ન્યોમા તરફ કાફલાના ભાગરૂપે જઈ રહ્યું હતું, લગભગ 5:45-6:00 વાગ્યે કિયારીથી 7 કિમી પહેલાં ખીણમાં લપસી ગયું હતું. આ વાહનમાં 10 જવાન હતા, જેમાંથી 9ના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ ભયાનક દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘લદ્દાખના લેહ પાસે એક અકસ્માતમાં ભારતીય સેનાના જવાનોના મોતથી હું દુખી છું. આપણે આપણા રાષ્ટ્ર પ્રત્યેની તેમની અનુકરણીય સેવાને ક્યારેય ભૂલીશું નહીં. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલ જવાનોને ફિલ્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે

લેહના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પીડી નિત્યાએ જણાવ્યું કે સેનાના વાહનમાં 10 જવાનો હતા અને આ વાહન લેહથી ન્યોમા તરફ જઈ રહ્યું હતું. તેમણે જણાવ્યું કે રસ્તામાં વાહન ચાલકે વાહન પરથી કાબુ ગુમાવી દીધો અને સાંજે 4.45 કલાકે વાહન ખીણમાં પડી ગયું હતું.