AhmedabadGujarat

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી, અમદાવાદમાં પણ વરસાદી માહોલ બનશે

રાજ્યના છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બાદ હવે વરસાદે વિરામ લીધો છે. જ્યારે હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 92 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, રાજ્યના દક્ષિણ ગુજરાત ના અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તેની સાથે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દરિયા કિનારાના વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે  અમદાવાદમાં પણ વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળ ના ઉપસાગર નું ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશવાની છે. ત્યાર બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેની સાથે નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે વહેતી જોવા મળશે. આશ્લેષા નક્ષત્ર હોવાના લીધે વરસાદ પાક માટે નુકસાનકારક રહેશે. તારીખ 5 અને 6 ઓગસ્ટના રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.