GujaratAhmedabad

ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે ક્યારેક વરસાદ તો ક્યારેક ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે ગુજરાતમાં 4 અને 5 એપ્રિલના રોજ કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ અંબાલાલ પટેલે પણ એપ્રિલ માસમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 3થી 8 એપ્રિલ દરમિયાન વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. જે લાંબા સમય સુધી પણ ચાલી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 4 અને 5 એપ્રિલના રોજ માવઠું પડી શકે છે. ખાસ કરીને 4 એપ્રિલના રોજ કચ્છ જિલ્લામાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. જ્યારે 5 એપ્રિલના રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આ માવઠાની સાથોસાથ આગામી 3 દિવસ રાજ્યમાં ગરમીનો પ્રકોપ પણ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, આવનારા બે દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધી શકે તેમ છે. ગુજરાત પર વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. જેના કારણે માવઠાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, એપ્રિલ માસમાં વરસાદની સાથે રાજ્યમાં કરા અને વીજળી સાથે વરસાદ થવાની પુરી સંભાવના વ્યક્ત કરી છે. તારીખ 3થી 8 એપ્રિલ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની પુરી શક્યતા છે. 3 એપ્રિલથી ઉનાળાની સાથોસાથ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. અને 14 તારીખ સુધીમાં ફરીથી આંધી, વંટોળ તેમજ ગરમી સાથે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ રહેશે.

તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગના આંકડા અનુસાર દેશની રાજધાની દિલ્હીમાં માર્ચ મહિનામાં સરેરાશ કરતા મહત્તમ તાપમાન 0.31 ડિગ્રી સેલ્સિયસ નીચું રહ્યું હતું. દિલ્હીમાં 34મી વખત એવું બન્યું છે જ્યારે ત્યાં માર્ચમાં આટલું ઓછું તાપમાન નોંધાયું છે, જ્યારે માર્ચના અંતિમ બે અઠવાડિયામાં દિલ્હીના તાપમાને છેલ્લા 73 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 માર્ચ સુધી દિલ્હીનું સરેરાશ મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી રહ્યું હતું. આમ વર્ષ 1951 બાદ આ પરથમ વખત બન્યું છે કે માર્ચમાં આટલું નીચું તાપમાન નોંધાયું હોય.