ગુજરાતના બિપોરજોય વાવાઝોડાનું સંકટ રહેલું છે. આ વાવાઝોડું પહેલા પાકિસ્તાન તરફ જવાનું હતું પરંતુ તેની દિશા બદલતા હવે તે ગુજરાત તરફ ફંટાયું છે. જ્યારે આ વાવાઝોડાને લઈને સતત ચર્ચાઓ પણ ચાલી રહી છે. હાલમાં આ વાવાઝોડું પોરબંદરથી 290 કિમિ, દેવભૂમિ દ્વારકાથી 300 કિમિ અને જખૌ 360 કિમિ અને નલિયા થી 370 કિમિ દૂર રહેલું છે. 13 થી 15 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે હવે વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા ભયાનક આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ, વર્ષ 2021 માં આવેલા આ તૌકતે વાવાઝોડાના લીધે ગુજરાતમાં 11 હજાર કરોડનું નુકસાન થયું હતું. તે સમયે મે મહિનામાં અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું સર્જાયું હતું અને 17 મી મેના રોજ ગુજરાતના ઉના અને વેરાવળના દરિયાકાંઠા વચ્ચે ટકરાયું હતું. તે સમયે પવનની ઝડપ કલાકના 180 કિમી સુધી રહેલી હતી. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પવન અને વરસાદે નુકસાન થયું હતું. અંદાજીત આ વાવાઝોડામાં 45 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 23 જિલ્લાઓમાં તૌક્તે વાવાઝોડાના લીધે ભારે નુકસાન થયું હતું.
તેની સાથે આ વખતે પણ બિપોરજોય વાવાઝોડાથી સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ અને કચ્છ વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચાડે તેવી શક્યતા રહેલી છે. તૌકતે વાવાઝોડા સમયે પણ હવામાન વિભાગ દ્વારા વેરાવળ જાફરાબાદ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. તે સમયે પણ અનેક બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું.
તેની સાથે બિપોરજોય વાવાઝોડું લગભગ દસ દિવસ સુધી સમગ્ર ગુજરાત અસર રહેવાની છે. છેલ્લા થોડા દાયકાઓમાં ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકેલા વાવાઝોડા જોઈએ તો બિપોરજોય વાવાઝોડાની સૌથી વધુ લાંબા સમય સુધી અસર જોવા મળવાની છે. બિપોરજોય વાવાઝોડું કચ્છ સહિત ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતા રહેલી છે. દરિયો તોફાની બનવાના લીધે માછીમારીને સીધી અસર થશે અને આગામી સમયમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.