AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી અત્યાર સુધીની સૌથી મોટી આગાહી

બિપોરજોય વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાતા ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. તેમ છતાં  હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ વરસશે. જ્યારે સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળશે. એવામાં અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે કે, આજના 24 કલાક ગુજરાત માટે ભારે રહેલા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળશે.

અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વાવાઝોડાના લીધે વરસાદની સાથે ચોમાસું પણ ગુજરાતમાં બેસી જશે. હવામાન વિભાગ દ્વારા પણ ચોમાસું આગળ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

બિપોરજોય વાવાઝોડાને લીધે અંબાલાલ પટેલ દ્વારા બે દિવસ વધુ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, વાવાઝોડું હવે પૂર્વ તરફ સતત આગળ વધી રહ્યું છે. તેના લીધે ગુજરાતમાં આજે શનિવારના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. જ્યારે આ વરસાદ એટલો ભયંકર હશે કે, ગુજરાતને જોડતી નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા રહેલી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, જખૌ પોર્ટ પર વાવાઝોડું ટકરાતા ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેવાનો છે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેવાની છે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસવાની શક્યતા છે. જ્યારે આગામી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ વરસશે. જ્યારે રાહતની વાત એ છે કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ શક્યતા રહેલી છે.