AhmedabadGujarat

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ સમાપ્ત થયો નથી ત્યાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી

ગુજરાતમાં હાલ સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ વરસાદના બીજા રાઉન્ડમાં સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. જ્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી દીધી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં 15 જુલાઈથી ફરી વરસાદનો રાઉન્ડ શરુ થવાનો છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 15 થી 23 જુલાઈ દરમિયાન વરસાદની શક્યતા રહેલી છે. તે દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા રહેલી છે. આગામી 15 થી 23 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતીભારે તો કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.

તેની સાથે તેમને આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જ્યારે કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. ભારે વરસાદના લીધે બનાસકાંઠાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેલી છે. તેની સાથે નર્મદા, તાપી, રૂપેણ નદીમાં પૂરની શક્યતા વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે, 11 જુલાઈ બાદ વરસાદમાં થોડી રાહત મળવાની શક્યતા રહેલી છે. પરંતુ તેના ચાર દિવસ બાદ એટલે કે 15 જુલાઈથી એકવાર વરસાદી માહોલ શરૂ થશે. તેની સાથે 23 જુલાઈ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ બન્યો રહેશે.