રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગયુ છે. ત્યારે રાજ્યમાં પ્રથમ રાઉન્ડના વરસાદમાં જ કુલ સરેરાશ 32 ટકા જેટલો વરસાદ પડ્યો હોવાનું નોંધાયુ છે, ત્યારે હવે બીજી રાઉન્ડમાં વરસાદ કેવો પડશે તેને લઈને પણ આગાહી સામે આવી ચૂકી છે. આ દરમિયાન ગતરોજ અષાઢી પૂનમનો ચંદ્ર એટલે કે હાંડો જોઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની સ્થિતિને લઈને આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ મામલે જણાવ્યું હતું કે, પૂનમના સમયે મોટી ભરતી હોવાથી ભરતીમાં આવેલ વરાળમાંથી ભેજ કેટલો ઊંચો ચડ્યો છે તે હાંડો બતાવે છે. ગઈ કાલે આછા વાદળો હતા. જે દર્શાવે છે કે, સાંજના સમય દરમિયાન સામાન્ય વરસાદ થાય તે બરાબર છે, પરંતુ અતિભારે વરસાદ પડવાને હજુ થોડા દિવસ સમય લાગશે. છતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા વિસ્તારોમાં વરસાદ પડવાની સ્થિતિ રહેવાની છે. ઉપરાંત સુરત, ડાંગ અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતના ગુજરાતમાં વરસાદ રહેશે. વધુમાં અંબાલાલ પટેલે હાંડોને જોતાં અમદાવાદ તેમજ ગાંધીનગરમાં વરાળ ઓછી થઇ હોવાના કારણે વરસાદ થોડો મોડો થવાની આગાહી કરી છે.
વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યુ હતું કે, અખાત્રીજના પવન, હોળીની જાર તેમજ અષાઢી પાંચમથી નોમ સુધીની વીજળી પણ જોવામાં આવે છે. તો અષાઢી પૂનમનો હાંડો જોઈને પણ વરસાદને લઈને અનુમાન લગાવવામાં આવે છે. ગામડામાં ખેડૂતો આજે પણ અષાઢી પૂનમની રાતે હાંડો જોવાની પરંપરાને અનુસરે છે. આમ ગતરોજ પુનમનો હાંડો જોઈને અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી સમયમાં વરસાદ પડવાની આગાહી કરી હતી.