AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના ચોથા રાઉન્ડને લઈને કરી મોટી આગાહી

રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે હવે અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે, આજથી 20 ઓગસ્ટ સુધીમાં ગુજરાતનાં જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીથી સિસ્ટમ સક્રિય બનતા પૂર્વીય મધ્યપ્રદેશ તરફ આવતા વરસાદી માહોલ બનશે.

અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી બે દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદી જોવા મળશે. તેમાં પણ રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વિનાશ સર્જે તેવી શક્યતા રહેલી છે. જયારે 20 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ જોવા મળવાનો છે.

તેની સાથે અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેના સિવાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ જોવા મળશે. જ્યારે પંચમહાલ, દાહોદ અને ડાંગમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે.

આ સિવાય અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ જોવા મળશે. તેની સાથે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, દાહોદ, મહિસાગરના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા રહેલી છે.