AhmedabadGujarat

ચોમાસાની ઋતુને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ચોમાસા પહેલાના સંકેતો દેખાયા

આ વર્ષની ઉનાળાની ઋતુમાં તો કમોસમો વરસાદ અને છેલ્લે છેલ્લે કાળઝાળ ગરમી પડી. બસ હવે સૌ કોઇ રાહ જોઈ રહ્યું છે કે ચોમાસાની ઋતુ ક્યારે આવશે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં કાળઝાળ ગરમી પડી રહી છે. પરંતુ હવે ગત રોજથી વાદળો આવવાની શરુઆત થઈ ગઈ છે. વાદળો વહેલી સવારના સમયે આવે છે અને બપોર થાય અદ્રશ્ય થઇ જાય છે. જે ચોમાસાની ઋતુ માટેના સંકેત આપી રહ્યા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, વૃક્ષોને નવી કુપણો આવતી હોવાથી વૃક્ષો જમીનમાંથી ભેજ સોસે છે. ગરમી વધારે પડવાથી સમુદ્રમાંથી વરાળ ઉંચે જાય છે. વરાળ ઉંચે જાય તે પહેલા ઝાકરી વાદળો શરુ થઇ જવા જોઈએ. જે વાદળો આવવાના શરૂ થઈ ગયા હવે છે. ઝાકરી વાદળો ચોમાસા પહેલા સવારના સમયે આવે છે અને બપોર થાય એટલે અદ્રશ્ય થઇ જાય છે. પરંતુ ઝાકરી વાદળો આવે અને એ વાદળો પછી બપોરે સ્થિર થાય ત્યાર પછી સવા મહિને ચોમાસાની ઋતુ આવે છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષ 2023માં ચોમાસાની ઋતુ સારી રહેશે. ચાલુ વર્ષે વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે અનેક વખત માવઠા થયા છે. ઉતર ભારતના મેદાની વિસ્તારનું તાપમાન એ ચોમાસાની ઋતુ માટે યોગ્ય હોવું જોઇએ. એપ્રિલ મહિનામાં ઉતર ભારતના મેદાની તાપમાન ઘણું સારું જોવા મળ્યુ છે અને મે મહિનામાં પણ ઉત્તર ભારતના મેદાની તાપમાન સારુ રહેશે. એટલે આ વર્ષે ચોમાસાની ઋતુ અનુકુળ રહેશે.

નોંધનીય છે કે, રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા સૌ કોઇ ચોમાસાની ઋતુ ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે હવામાન નિષ્ણાતો દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે.